કલોલમાં પિતાએ બે દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, બંને બાળકીઓના મૃતદેહ મળ્યાં
- બિઝનેશમેનની શોધખોળ હાથ ધરાઈ
- પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે
અમદાવાદ : ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં એક બિઝનેસમેને પોતાની બે માસૂમ દીકરીઓ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ દુઃખદ ઘટનામાં બંને નાની દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે પિતાની સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.
મળતી માહિતી અનુસાર, કલોલ તાલુકાના બોરીસણ ગામના રહેવાસી અને પેટ્રોલ પંપના માલિક ધીરજભાઇ રબારી સવારે પોતાની બે દીકરીઓ સાથે ઘરેથી આધાર કાર્ડ કઢાવવા જવાનું કહીને નીકળ્યા હતા. પરંતુ તેઓ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ ચિંતા વ્યક્ત કરી અને સાંતેજ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. દરમિયાન તપાસમાં ધીરજભાઇએ પોતાના પરિવારને ગાડીનું લોકેશન અને મોબાઇલનો પાસવર્ડ મોકલ્યો હોવાનું બહાર આવ્યું હતું. લોકેશનના આધારે પોલીસે શોધખોળ કરતાં તેમની ગાડી નર્મદા કેનાલ નજીક મળી આવી હતી. ફાયર બ્રિગેડ અને પોલીસે મોડી રાત સુધી કેનાલમાં શોધખોળ કરી હતી. આજે સવારે બંને દીકરીઓના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે ધીરજભાઇનો મૃતદેહ હજી સુધી મળી આવ્યો નથી. બિઝનેશમેન ધીરજભાઈએ ક્યાં કારણોસર આ પગલુ ભર્યું તે જાણી શકાયું નથી. સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની ઘટના છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.