સાંજની નાની ભૂખ માટે સ્વાદિષ્ટ વિકલ્પ: બેસન કટોરી ચાટની ઘરગથ્થું રેસીપી લોકપ્રિય
ભારતીયો ખાવાના શોખીન તરીકે જાણીતા છે. સવારે અને રાત્રિના મુખ્ય ભોજન વચ્ચે સાંજના સમયે નાની ભૂખ લાગે છે, ત્યારે મોટાભાગના લોકો સ્ટ્રીટ ફૂડ તરફ દોડે છે. પરંતુ આ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એવા સમયે જો તમે સ્વાદ સાથે હેલ્ધી વિકલ્પ શોધી રહ્યાં હો, તો બેસન કટોરી ચાટ એક ઉત્તમ પસંદગી બની શકે છે. આ ચાટ સ્વાદમાં તો સ્ટ્રીટ ફૂડ જેવી જ છે, પરંતુ તેલમાં તળાય છતાં તેમાં ઉપયોગ થતી સામગ્રી તેને તદ્દન પૌષ્ટિક બનાવે છે. કીટી પાર્ટી હોય કે ઘરનો ઇવનિંગ નાસ્તો આ વાનગી સૌને ગમે એવી છે.
- સામગ્રી
ચણાનો લોટ – 1 કપ
ચોખાનો લોટ – 2 ચમચી
અજમો, મીઠું, હળદર, લાલ મરચું – સ્વાદ મુજબ
તેલ – મોણ માટે અને તળવા માટે
બાફેલા ચણા અથવા રાજમા – 1/5 કપ
બાફેલું બટાકું – 1
ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટાં
દહીં – 1/5 કપ
લીલી ચટણી – 2 ચમચી
મીઠી આમલીની ચટણી – 2 ચમચી
ચાટ મસાલો, સેવ, દાડમના દાણા, કોથમીર – સજાવટ માટે
- બનાવવાની રીત
સૌપ્રથમ ચણાનો લોટ, ચોખાનો લોટ અને મસાલા ઉમેરીને ખીરું તૈયાર કરો. નાના સ્ટીલના બાઉલને તેલ લગાવી તેને બેટરમાં ડુબાડીને ગરમ તેલમાં તળો. બેસનનું પડ કડક થઈ જાય પછી બાઉલ આકારની કટોરીને બહાર કાઢી સોનેરી થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ આ કટોરીમાં બાફેલા ચણા, બટેટા, ડુંગળી, ટામેટા, દહીં, લીલી ચટણી અને મીઠી ચટણી ઉમેરીને ચાટ તૈયાર કરો. અંતે સેવ, દાડમના દાણા અને કોથમીરથી સજાવો. આ ચાટ માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ દહીં અને ચણાથી ભરપૂર પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેથી હવે સાંજની નાની ભૂખ લાગે, તો સ્ટ્રીટ ફૂડના બદલે બનાવો ઘરગથ્થું બેસન કટોરી ચાટ સ્વાદ અને સ્વાસ્થ્યનો સરસ સમન્વય.