ગુજરાતમાં બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચશે, યલો એલર્ટ અપાયું
- અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિત શહેરોમાં તાપમાન 35 ડિગ્રીએ પહોંચ્યું
- આગામી 48 કલાકમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે
- દરિયાકાંઠા વિસ્તારોમાં તાપમાનમાં વધારો થશે
અમદાવાદઃ ઉનાળાના આગમન પહેલા જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અને ઠંડીનું જોર ઘટી રહ્યું છે. આજે અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોચ્યો છે. દરમિયાન રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસમાં તાપમાનમાં વધારો થશે.રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં યલ્લો એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ફાગણ મહિનાના આગમન પહેલા જ તાપમાનનો પારો 35 ડિગ્રીએ પહોંચ્યો છે. હાલમાં ગુજરાત પર ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશા તરફથી પવન ફુંકાય રહ્યો છે. જમીનની સપાટી પરથી આવતા આ પવનો સામાન્ય રીતે ગરમ હોય છે, જેના કારણે રાજ્યમાં બફારાનું પ્રમાણ ઉત્તરોતર વધી રહ્યું છે અને આગામી બે દિવસમાં તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી શકે છે. એવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે એવી સંભાવના છે. બીજી તરફ રાજ્યભરના લઘુત્તમ તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો નોંધાયો છે. આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે તાપમાનમાં ક્રમશઃ વધારો થવાની પણ શક્યતાઓ છે.
રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 37.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સિવાય રાજ્યના અન્ય ત્રણ મહાનગરમાં પણ મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું, જેમાં અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 34.9 ડિગ્રી સેલ્સિયસ, વડોદરાનું 35 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટમાં 36.9 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.