ગુજરાતમાં હવે ઓફિસ ખરીદનારાને દુકાન જેટલો જ જંત્રીનો દર ચુકવવો પડે તેવી શક્યતા
- સુચિત જંત્રીમાં ઓફિસોને પણ કોમર્શિયલ ઝોનમાં સમાવેશ કરાયો,
- આજે દુકાન અને ઓફિસના ભાવમાં આસમાન-જમીનનો તફાવત હોય છે,
- જંત્રીના એક સમાન દરથી ઓફિસો ખરીદનારાને મોંઘી પડશે
અમદાવાદઃ ગુજરાત સરકારે જંત્રીના સૂચિત દર જાહેર કરીને લોકો પાસે ઓનલાઈન વાંધા-સુચનો મંગાવ્યા છે. જંત્રીના સુચિત દર સામે ક્રેડોઈ સહિત બિલ્ડરોનો વિરોધ વધતો જાય છે. નવી જંત્રીથી રિયલ એસ્ટેટમાં વ્યાપક મંદીની મોકાણ સર્જાશે. એવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. સુચિત જંત્રીમાં કેટલીક એવી જોગવાઈએ છે. કે, જેનાથી સરકારની આવક તો વધશે પણ ખરીદદારે ખરી કિંમત કરતાં વધારે રકમ ચૂકવવી પડશે. સામાન્ય રીતે દુકાન અને ઓફિસ બંનેના ભાવમાં આસમાન-જમીનનો તફાવત હોય છે. ત્યારે સૂચિત જંત્રીમાં તમામને કોમર્શિયલ ફોર્મમાં સમાવેશ કરાયો છે. જેથી હવે ઓફિસ ખરીદનારા વ્યક્તિએ પણ દુકાન જેટલો જંત્રીનો દર ચૂકવવો પડશે.
અમદાવાદ સહિત મહાનગરોમાં હવે કોમર્શિયલ બિલ્ડિંગો વધતી જાય છે. જેમાં ધંધાર્થીઓ પોતાની ઓફિસ ખરીદતા હોય છે. ઓફિસમાં પણ પ્રથમ માળ અને 10મા માળની ઓફિસના ભાવ અલગ અલગ હોય છે. જ્યારે જંત્રીના દર દુકાનો જેટલા જ ચુકવવા પડશે. સામાન્ય રીતે શહેરમાં ઓફિસ પ્રકારની કોમર્શિયલ મિલકત અને દુકાન પ્રકારની કોમર્શિયલ મિલકત વચ્ચે 2011 અને 2023ની જંત્રીમાં સ્પષ્ટ દર્શાવાયો હતો. 2011માં જ્યાં આંબાવાડી જેવા વિસ્તારમાં જ્યાં દુકાનની મહત્તમ જંત્રી 52 હજાર જેવી હતી ત્યાં ઓફિસની જંત્રી 21 હજાર આસપાસ હતી. તે રીતે બોડકદેવમાં પણ 2011ની જંત્રી પ્રમાણે જ્યાં દુકાનની મહત્તમ જંત્રી 66 હજાર જેટલી હતી ત્યાં આ વિસ્તારમાં ઓફિસની મહત્તમ જંત્રી 30 હજાર આસપાસ હતી. એલિસબ્રિજમાં જ્યાં દુકાનની મહત્તમ જંત્રી રૂ. 76250 હતી ત્યાં ઓફિસની જંત્રી 46250 થતી હતી. આમ મોટાભાગના કિસ્સામાં દુકાન અને ઓફિસની જંત્રીના દરોમાં 50 ટકાનો ભાવ તફાવત જોવા મળતો હતો.
ગુજરાત સરકારે સુચિત જંત્રના દરમાં ઓફિસ અને દુકાન બંને ફેક્ટરને માત્ર કોમર્શિયલ તરીકે ગણ્યા છે. જોકે તેમાં જંત્રી ફ્લોર પ્રમાણે તેનું વેલ્યુએશન કરવાનું પ્રપોઝડ જંત્રીમાં નક્કી કરાયું છે. જેને કારણે જે મિલકતમાં તમામ ઓફિસ જ હોય ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ કે બીજા માળે રહેલી ઓફિસને પણ જંત્રીનો મોટો દર ચૂકવવો પડે તેવી સ્થિતિ છે. માત્ર ત્રીજા માળ કે તેથી ઉપરની ઓફિસર ખરીદનારાને તેમાં રાહત મળી રહી છે. આ રીતે અગાઉ પિયત અને બિન પિયત ખેતીમાં પણ બે અલગ પ્રકાર તૈયાર કરાયા હતા. જેમાં પણ જંત્રીના દરોમાં બંને વચ્ચે ચોક્કસ તફાવત હતો. જોકે હવે પ્રપોઝ્ડ જંત્રીમાં આ બંને વચ્ચેનો તફાવત દૂર કરી દેવામાં આવ્યો છે. તેથી નવી જંત્રી સામે વિરોધ વધતો જાય છે.