For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદના ઘાટલોડિયામાં કારચાલકે અડધો ડઝન વાહનો અડફેટે લીધા

02:21 PM Feb 10, 2025 IST | revoi editor
અમદાવાદના ઘાટલોડિયામાં કારચાલકે અડધો ડઝન વાહનો અડફેટે લીધા
Advertisement
  • અકસ્માત સર્જનારા કારચાલકને લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યો
  • કારચાલક નશાની હાલતમાં હોવાનો લોકોનો આક્ષેપ
  • બે વૃદ્ધ અને બાળકો સહિત ચારને ઈજા

 અમદાવાદઃ શહેરમાં બેફામ ગતિએ વાહનો ચલાવીને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં મેમનગરથી વિવેકાનંદ સર્કલથી આગળ જતાં રોડ પર પૂરફાટ ઝડપે આવેલી કારએ 6થી 7 વાહનોને અડફેટે લીધા હતા. અને અકસ્માત બાદ કાર પલટી ગઈ હતી. અકસ્માત બાદ લોકોએ દોડી આવીને કારચાલકને ઝડપીને પોલીસ હવાલે કર્યો હતો. સ્થાનિક લોકોના કહેવા મુજબ કારચાલક નશાની હાલતમાં હતો, પોલીસ આ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

આ બનાવની વિગતો એવી છે કે,  શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં એક યુવકે પોતાની કાર બેફામ સ્પીડે હંકારી 6 થી 7 વાહનોને ટક્કર મારતા ચાર લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત સર્જનાર કારચાલકને લોકોએ ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો હતો. ચાલક નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. આ મામલે બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ  આજે વહેલી સવારે 7.45 વાગ્યાની આસપાસ શહેરના મેમનગર વિસ્તારમાં વિવેકાનંદ સર્કલથી આગળના તરફ જવાના રોડ ઉપર એક કારચાલક બેફામ સ્પીડે કાર ચલાવીને આવ્યો હતો બે થી વધુ એકટીવા, બાઈક અને ત્રણ કારને ટક્કર મારી હતી. બે વૃદ્ધ અને બાળકો સહિત કુલ ચાર લોકોને પણ અડફેટે લીધા હતા જેના કારણે ગંભીર ઇજાઓ થઈ હતી. વહેલી સવારે ચાલવા જતા અને બાળકોને સ્કૂલે જનારા લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા. 100 મીટરના રોડ ઉપર વાહનોને અને રાહદારીઓને અડફેટે લઈને અકસ્માત સર્જાતા ભયનો માહોલ સર્જાયો હતો. દરમિયાન અકસ્માત સર્જનાર કારચાલકને લોકોએ ઝડપી લીધો હતો. લોકોના આક્ષેપ મુજબ કારચાલક નશાની હાલતમાં હતો. રોડ ઉપર બેથી ત્રણ લોકો ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા જેથી તાત્કાલિક ધોરણે લોકો તેમની પાસે દોડી ગયા હતા. 108ને જાણ કરવામાં આવતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત સર્જનાર કારચાલકના પરિવારજનોને જાણ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગંભીર અકસ્માતને પગલે લોકોમાં પણ ભારે રોષ ફેલાયો હતો.

Advertisement

ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર કારચાલકનું નામ ચિંતન મુકેશભાઈ પરીખ હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસ દ્વારા હાલ કારચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે.

Advertisement
Tags :
Advertisement