અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દિવ્યાંગજનોને વ્હીકલ ટેક્સમાંથી મુક્તિ અપાશે
- એએમસીની રેવન્યુ કમિટીમાં આ નિર્ણય લેવાયો,
- દિવ્યાંગજનોએ સિવિલ સર્જનનું સર્ટી રજુ કરવું પડશે,
- 15 લાખની બેઝિક પ્રાઈઝ હોય એવા વાહનોમાં વ્હીકલ ટેક્સમાંથી માફી મળશે
અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દિવ્યાંગજનોને વ્હીકલ્સ ટેક્સમાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દિવ્યાંગજનો નવું વાહન ખરીદે તો તેને મ્યુનિના વ્હીકલ ટેક્સમાંથી મુક્તિ અપાશે. એએમસીની રેવન્યુ કમિટીએ 15 લાખની બેઝિક પ્રાઈઝ હોય એવા વાહન સુધી આ ટેક્સમાં માફી આપવા દરખાસ્ત કરી છે. આ દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી મળ્યા બાદ તેનો અમલ કરવામાં આવશે.
શહેરના દિવ્યાંગજનોને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશને એક મોટી રાહત આપી છે. દિવ્યાંગજનો માટે અમદાવાદ એએમસી દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દિવ્યાંગોને વ્હીકલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે, એએમસીની રેવન્યુ કમિટીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અંગે એએમસીના રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું કે, શહેરના દિવ્યાંગ નાગરિકો માટે દિવાળી પહેલા ભેટ સ્વરૂપે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ સિવિલ સર્જનના સર્ટિફિકેટ સાથે દિવ્યાંગ તરીકેનું સર્ટિફિકેટ મળે એવા નાગરિકને આ ફાયદો મળશે. આવા નાગરિક જ્યારે પોતાના વપરાશ માટે વાહન ખરીદવા જાય તેને ટેક્સમાંથી મુક્તિ મળશે. ટેક્સ કમિટી દ્વારા નિર્ણય લઈને દરખાસ્ત તૈયાર કરીને મંજુરી આપવામાં આવી છે. અને દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીને મોકલી આપવામાં આવી છે. દિવ્યાંગજનોને બે વાહન ખરીદવા સુધીની છૂટ આપવામાં આવી છે. સાથે સાથે 15 લાખની બેઝિક પ્રાઈઝ હોય એવા વાહન સુધી આ ટેક્સમાં માફી આપવા દરખાસ્ત કરવામાં આવી છે હવે સ્ટેન્ડિંગ કમિટીમાં દ્વારા દરખાસ્તને મંજુરી અપાશે.
એએમસીના સૂત્રોના કહેવા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શારીરિક દિવ્યાંગ નાગરિકો પોતાના નામે નોંધાતા હોય અને તેઓની મુસાફરી માટે વપરાતા હોય, તેવા મહત્તમ બે વાહનો સુધી તેમજ પ્રતિ વાહન દીઠ બેઝિક કિંમત 15 લાખ કે તેનાથી ઓછી હોય તેવા જ વાહનોને આજીવન ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવશે. ગત વર્ષે 120 જેટલા દિવ્યાંગ લોકોએ વાહન ખરીદી કરી હતી. આ માટે દિવ્યાંગજનો જ્યારે વાહનની ખરીદી કરે અને એએમસીમાં અરજી કરે ત્યારે જરૂરી પુરાવા ચકાસણી કર્યા બાદ વ્હીકલ ટેક્સમાંથી મુક્તિ અંગે ટોકન ઇસ્યુ કરવામાં આવશે. રૂપિયા 100 ફી લઈ જે તે વ્હીકલ માટે વાહન ધારકને રીસીપ્ટ તથા લાઈફ ટેક્સ માફી ટોકન ઇસ્યુ કરવામાં આવશે. એએમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગે મંજૂરી મળ્યા બાદ આ નિર્ણયને અમલમાં મૂકવામાં આવશે.