બગસરા તાલુકાની પ્રા. શાળામાં 40 બાળકોએ શરત લગાવી જાતે હાથ-પગ પર બ્લેડના કાપા માર્યા
- વાલીઓએ યોગ્ય જવાબ ન આપતા ગ્રામ પંચાયતે પોલીસમાં ફરિયાદ કરી
- બાળકોએ એકબીજા સાથે જાતે બ્લેડ મારવાની રૂપિયા 10ની શરત લગાવી હતી
- બાળકોએ પેન્સિલના શાર્પનરમાંથી બ્લેડ કાઢી કાપા માર્યા,
અમરેલીઃ બગસરા તાલુકાના મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં 40 જેટલા બાળકોએ પોતાના હાથ-પગ પર બ્લેડ મારીને ઈજા પહોંચાડતા આ મામલે તપાસની માગ ઊઠી હતી. આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને ફરિયાદ કરાઈ હતી. પહેલા શાળાના બાળકો મોબાઈલ ગેમના રવાડે ચડતા આ બનાવ બન્યો હોવાનું કહેવાતુ હતુ પણ પોલીસ તપાસમાં એવી હકિક્ત જાણવા મળી છે. કે, શાળાના બાળકોએ એકબીજા સાથે શરત લગાવી હતી. કે, બ્લેડથી પોતાના હાથે કે પગે કાપા મુકે તેને 10 રૂપિયા આપવા. આથી 40 બાળકોએ શરત જીતવા માટે પોતાના હાથ-પગ પર બ્લેડના કાપા માર્યા હતા.
બગસરા તાલુકાના મુંજીયાસર ગામની પ્રાથમિક શાળાના બાળકોએ હાથે-પગે બ્લેડના કાપા મારતા આ મામલે તપાસની માગ ઊઠી હતી. શાળાના 40 જેટલાં બાળકોએ પોતાને બ્લેડ વડે કાપા મારી ઈજા પહોંચાડી હતી. આ મામલે પોલીસ તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે,બાળકોએ ફક્ત 10 રૂપિયાની શરતમાં પોતાને ઈજા પહોંચાડી હતી. બાળકોએ 10 રૂપિયાની શરતમાં હાથ-પગ પર કાપા માર્યા હતા. બ્લડકાંડ મામલે પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આ મામલે નિવેદનો લેવાયા છે. બાળકો, શિક્ષકો, વાલીઓના નિવેદનો લેવાયા છે. બાળકોએ જાતે જ પોતાને બ્લેડ મારી છે. 20થી 25 બાળકોએ જાતે બ્લેડ મારી છે. પેન્સિલ શાર્પનરથી બ્લેડનો કાપા માર્યા છે. બનાવમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સામે આવી નથી. આવું ફરી નહીં કરે તેવી બાળકોની બાંહેધરી લેવાઈ છે.
જિલ્લાના શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, બગસરા તાલુકાની મોટા મુંજીયાસર ગામની પ્રાથમિક શાળામાં વિચિત્ર ઘટના બહાર આવતા તપાસ કરવામાં આવી રહી છે. ત્રણેક દિવસ પહેલા શાળાના 40 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું હતુ. તમામ વિદ્યાર્થીઓ ધોરણ 5,6 અને 7 માં ભણતા વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળેલ છે. આ બાબતે વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા બાળકોએ ‘અમને શિક્ષકોએ કહેવાની ના પાડી છે ’એવું કહીને જવાબ ટાળ્યા હતા. જેથી માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા,જ્યાં પણ પ્રશ્નનો નિવારણ ન થતા ગ્રામ પંચાયત દ્વારા આ બાબતે પોલીસને અરજી આપી તપાસની માંગણી કરી હતી. આ ઘટનામાં વિદ્યાર્થીઓએ જાતે જ ઈજા પહોંચાડી છે કે અન્ય કોઈ વ્યક્તિ દ્વારા આવું કરવામાં આવેલ છે તેની તપાસ કરતા વિદ્યાર્થીઓએ જાતે જ બ્લેડથી કાપા માર્યા હોવાનું જાણવા મળ્યું હતું.