BLOની કામગીરીમાં શિક્ષકોને અપાયેલા વોરંટ રદ નહીં થાય તો કામગીરીનો બહિષ્કાર કરાશે
- શિક્ષકોની સામે વોરંટ ઇશ્યુ કરાતા શિક્ષકોમાં રોષ ભભૂકી ઉઠ્યો,
- પ્રાથમિક શિક્ષકોના બન્ને સંઘોએ વોરંટ પ્રથાને રદ કરવાની માગ કરી,
- BLOની કામગીરી શિક્ષકો સહિત અન્ય 12 કેડરોને સમાન ધોરણે સોંપવા માગણી
અમદાવાદઃ રાજ્ય ચૂંટણીપંચ દ્વારા હાલમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. મતદાર યાદીની ખાસ સુધારણાની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી છે. આ બીએલઓની કામગારી માટેની તાલીમમાં ગેરહાજર રહેનારા શિક્ષકો સામે વોરંટ ઇશ્યુ કરવામાં આવતા સમગ્ર શિક્ષક આલમમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. શિક્ષકોને વોરંટ આપવાના મામલે પ્રાથમિક શિક્ષકોના બન્ને સંઘોએ આ મામલે ગંભીરતાને લઇને વોરંટ પ્રથાને રદ કરવામાં નહી આવે તો બીએલઓની કામગીરીનો શિક્ષકો દ્વારા બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
શિક્ષક સંઘના કહેવા મુજબ બીએલઓની કામગીરી અલગ અલગ વિભાગની 12 કેડરોને સોંપવાનો ચૂંટણી પંચનો આદેશ હોવા છતાં 90 ટકા કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી છે. આથી બીએલઓની કામગીરી શિક્ષકો સહિત અન્ય 12 કેડરોને સમાન ધોરણે સોંપવામાં આવે તેવી માંગણી સાથે પ્રાથમિક શિક્ષકોના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીને રજુઆત કરી છે.
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા હાલમાં ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે મતદાર યાદીની ખાસ સુધારણાની કામગીરી પ્રાથમિક શિક્ષકો સહિત અલગ અલગ વિભાગના 12 કેડરોના કર્મચારીઓને કરાવવાનો રાજ્યના ચૂંટણીપંચનો આદેશ કર્યો છે. હાલમાં દિવાળી વેકેશન ચાલતું હોવાથી શિક્ષકો તાલીમમાં હાજર રહ્યા નથી. ત્યારે આવા શિક્ષકો જાણે કોઇ ગુનેગાર હોય તેમ ધરપકડનું વોરંટ ઇશ્યુ કરીને શિક્ષક આલમને ડરાવવા અને ધમકાવવાની સાથે સાથે ગુલામ બનાવવી પ્રથા અમલી કરવાની હોય તેવો સૂર શિક્ષક આલમમાં ઉઠી રહ્યો છે. રાજ્યભરના 51000થી વધારે બુથોમાંથી 38000થી વધુ બુથોની બીએલઓની કામગીરી પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવતા શિક્ષકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.