For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીઓ હવે આડેધડ ટ્રાન્સફર ફી વસુલી શકશે નહીં

04:46 PM Mar 03, 2025 IST | revoi editor
ગુજરાતમાં હાઉસિંગ સોસાયટીઓ હવે આડેધડ ટ્રાન્સફર ફી વસુલી શકશે નહીં
Advertisement
  • રાજ્યની 30 હજારથી વધુ હાઉસિંગ સોસાયટીઓ માટે સરકારનો નિર્ણય
  • ટ્રાન્સફર ફી અવેજ મૂલ્યના 5% અથવા રૂ. 1 લાખ, જે પણ ઓછું હોય તે લઈ શકાશે,
  • સોસાયટીના કોઈપણ ભંડોળમાં યોગદાનની માંગણી કરી શકાશે નહીં

ગાંધીનગરઃ ગુજરાતમાં 30,000થી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે ત્યારે આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા અન્વયે થતું હોય છે. આવી સોસાયટીઓમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરવામાં આવતી હોય છે ત્યારે સોસાયટી દ્વારા તે વ્યકિત પાસેથી ટ્રાન્સફરથી વસૂલ કરવામાં આવતી હોય છે. આવી ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાના અભાવે, સોસાયટીઓ દ્વારા મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફરથી વસૂલ કરવામાં આવતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળતી હતી તેમ, સહકાર  મંત્રી  જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.

Advertisement

સહકાર મંત્રી  વિશ્વકર્માએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આવી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં થતી હેરાનગતિને અટકાવવા, ટ્રાન્સફર સંબંધિત જરૂરી કાયદા અને નિયમો બનાવવાનું નક્કી કરેલ હતું જેના અનુસંધાને વર્ષ 2024માં સહકારી કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. આજે રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને તે અનુસાર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરની ખરીદ/ વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહી, તેવી જોગવાઇ કરવામાં આવી છે. આ ટ્રાન્સફર ફીની જોગવાઈ વધુમાં વધુ છે , જેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ પોતાની મેળે તે રકમમાં ઘટાડો કરી અને તેઓના ઉપનિયમોમાં જોગવાઈ કરી શકે છે, પરંતુ કોઈ પણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ તેઓ વસૂલ કરી શકશે નહીં તેમ, તેમણે જણાવ્યું હતું.

મંત્રીએ કહ્યું કે,હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં પ્રમુખ/ મંત્રી અને કમિટી સભ્યો દ્વારા મકાનની ખરીદ/ વેચાણ સમયે વ્યક્તિઓને ટ્રાન્સફર ફી ની વસૂલાત માટે કરવામાં આવતી કાર્યવાહી સામે હવે પછી વ્યક્તિઓને ખૂબ જ મોટી રાહત મળશે. આ નિયમો અનુસાર કોઈપણ કાયદેસરના વારસદારને જો કોઈ અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરવામાં આવેલ હશે તો પણ કોઈ ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં  ઉપરાંત કોઇ પણ વ્યકિત પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ નામે ટ્રાન્સફર સમયે કોઈપણ રકમ સોસાયટીઓ વસૂલ કરી શકશે નહીં. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયથી આવી સોસાયટીઓની કામગીરીમાં નિયમિતતા આવશે, સાથે સાથે આ સોસાયટીઓ સાથે જોડાનાર લાખો સભાસદોને પણ ભવિષ્યમાં મોટી રાહત મળશે. રાજ્ય સરકારના આ નિર્ણયનું સર્વત્રે ખૂબ જ આવકારદાયક પગલું ગણવામાં આવી રહ્યું છે તેમ,સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement