હોકી એશિયા કપ: ભારતે ચીનને 4-3થી હરાવ્યું
પટણાઃ ભારતીય હોકી ટીમે ચીન પર શાનદાર વિજય સાથે હોકી એશિયા કપની શરૂઆત કરી છે. ગ્રૂપની પહેલી લીગ મેચમાં ભારતે ચીનને 4-3થી હરાવ્યું હતું. બિહારના નાલંદા જિલ્લાના રાજગીરના રાજગીર હોકી સ્ટેડિયમમાં રમાયેલી રોમાંચક મેચમાં ભારતીય ટીમે ચીન પર શાનદાર વિજય નોંધાવ્યો. કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રણ ગોલ કર્યા. જ્યારે જુગરાજ સિંહે એક ગોલ કર્યો હતા. આ મેચ ખૂબ જ રોમાંચક હતી. ચીને ભારતને લડત આપી. મેચનો પહેલો ગોલ ચીને કર્યો. આ પછી ભારતે સતત ત્રણ ગોલ કરીને 3-1ની મજબૂત લીડ મેળવી. ચીને જોરદાર વાપસી કરી અને સ્કોર 3-3 ની બરાબર કર્યો. છેલ્લા ક્વાર્ટરમાં (47મી મિનિટે) કેપ્ટન હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને ભારતની લીડ 4-3 કરી. જે આખરે નિર્ણાયક સાબિત થઈ. મેચની છેલ્લી ક્ષણોમાં ચીને ગોલ કરવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા. અંતિમ સ્કોર 4-3 હતો.
આ મેચ પહેલા દિવસ દરમિયાન ગ્રૂપ Bની બે મેચ રમાઈ હતી. પ્રથમ મેચમાં મલેશિયાએ બાંગ્લાદેશને 4-1 થી હરાવ્યું. બાંગ્લાદેશે 16મી મિનિટમાં પહેલો ગોલ કર્યો. મલેશિયાના આશારન હમસાનીએ 25મી મિનિટમાં શાનદાર ગોલ કરીને સ્કોર બરાબરી કરી. બીજા હાફમાં મલેશિયા વધુ આક્રમકતા સાથે બહાર આવ્યું. અખીમુલ્લાહ અનવર (36મી મિનિટ) એ બીજો ગોલ કરીને ટીમને લીડ અપાવી. મુહાજિર અબ્દુલ રૌફ (48મી મિનિટ) એ ત્રીજો ગોલ કર્યો અને સૈયદ ચોલાન (54મી મિનિટ, પેનલ્ટી કોર્નર) એ ચોથો ગોલ કરીને ટીમની લીડ 4-1 કરી. ચોલાનના ગોલ સાથે, મલેશિયાનો વિજય નિશ્ચિત થયો. બીજી મેચમાં, દક્ષિણ કોરિયાએ ચાઇનીઝ તાઈપેઈને 7-0 થી હરાવ્યું. દક્ષિણ કોરિયા માટે, ડેન સોને હેટ્રિક (17મી મિનિટ, 29મી મિનિટ, 58મી મિનિટ) કરી. જિહુન યાંગે પેનલ્ટી કોર્નર (27મી મિનિટ, 50મી મિનિટ) ની મદદથી બે ગોલ કર્યા. આ દરમિયાન, સીઓંગ ઓહ (53મી મિનિટ) અને યુન્હો કોંગ (54મી મિનિટ) એ 1-1 ગોલ કર્યા.