અમદાવાદના સાબરમતીના છારાનગરના રિ-ડેવલપ સામે 49 લોકોની રિટ હાઈકોર્ટે ફગાવી
- ઓથોરિટી દ્વારા ઘર ખાલી કરવા રહિશોને નોટિસ આપી છે
- છારાનગરમાં લોકો 70 વર્ષથી વસવાટ કરતા હોવાની રજુઆત
- આ વિસ્તારને ઝૂપડપટ્ટી મુક્ત કરવા રિ-ડેવલોપ કરવામાં આવી રહ્યાની સરકારની રજુઆત
અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલા છારાનગરને સરકારે રિ-ડેવલોપ કરવાનો નિર્ણય લીધો છે. જેની સામે આ વિસ્તારના 49 રહિશોએ ગુજરાત હાઈકોર્ટમાં રિટ કરી હતી. અરજદારોએ એવી રજુઆત કરી હતી કે, ઓથોરિટીએ આપેલી નોટિસ કાયદા મુજબ નથી. તેમને રજૂઆતની તક અપાઈ નથી, આ મૂળભૂત હકોના ભંગ સમાન છે. જ્યારે સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ વિસ્તારને ઝૂંપડપટ્ટીમુક્ત કરવા અને રીડેવલોપમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આ વિસ્તાર આરોગ્ય અને સેફટીની દ્રષ્ટિએ રહેવા માટે હાનિકારક છે. હાઈકોર્ટે બન્ને પક્ષની રજુઆત સાંભળીને રિટ નામંજુર કરી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં 49 જેટલા અરજદારો દ્વારા અરજી કરવામાં આવી હતી. જેઓએ ઓથોરિટી દ્વારા 29 જાન્યુઆરી, 2025ના રોજ આપવામાં આવેલા ઘર ખાલી કરવાની નોટિસને પડકારી હતી. ગુજરાત સ્લમ એરિયા એક્ટ અંતર્ગત અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલા છારાનગરને રિડેવલોપ કરવામાં આવી રહ્યું છે. જોકે, અરજદારોએ કહ્યું હતું કે, ઓથોરિટીએ આપેલી નોટિસ કાયદા મુજબ નથી. તેમને રજૂઆતની તક અપાઈ નથી, આ મૂળભૂત હકોના ભંગ સમાન છે. ઓથોરિટીને અરજદારોના ઘર ખાલી કરતા રોકવામાં આવે. અરજદારો અહીં 70 વર્ષ કરતા વધુ સમયથી વસે છે. તેની સ્થાપના 1940માં થઈ હતી. તેઓ OBC વર્ગમાંથી આવે છે અને બ્લુ કોલર નોકરીઓ કરે છે. તેઓ રોજનું રળીને ખાવાવાળા છે. અરજદારો પાસે લાઇટનું કનેક્શન, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને પાક્કા મકાનો ધરાવે છે. ઓથોરિટીએ અરજદારોને ઘર ખાલી કરવા જણાવ્યું છે.
આ કેસમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, આ વિસ્તારને ઝૂંપડપટ્ટીમુક્ત કરવા અને રીડેવલોપમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. આ વિસ્તાર આરોગ્ય અને સેફટીની દ્રષ્ટિએ રહેવા માટે હાનિકારક છે. આ વિસ્તારના રિડેવલોપમેન્ટનું કાર્ય શીતલ ઇન્ફ્રાને આપી દેવામાં આવ્યું છે. વર્ષ 2023માં નોટિસ આપીને અહીં રહેનારાઓ પાસેથી વાંધાઓ મંગાવવામાં આવ્યા હતા. અહીં બધા ઘરો અનધિકૃત છે. મોટાભાગના મકાનો ક્યારના ખાલી થઈ ચૂક્યા છે. ફક્ત અરજદારો જ મકાનો ખાલી કરતા નથી. 741 જેટલા અનધિકૃત બાંધકામો હટાવીને 508 લાભાર્થીઓને સામે મકાનો આપવામાં આવશે. 2021થી અહીં રહેતા લોકોને ભાડેથી રહેવા માટે ભાડું પણ આપવામાં આવી રહ્યું છે. જેમાં 8.69 કરોડ ફાળવવામાં આવેલા છે. 497 લોકોએ જાતે જ મકાનો ખાલી કરી દીધા છે. અહીં 7 માળની બિલ્ડીંગના કુલ 34 બ્લોક બનવાના છે, જે પૈકી 17 બ્લોક ઊભા થઈ ચૂક્યા છે. વળી અરજદારો 4 વર્ષ મોડા કોર્ટમાં પહોંચ્યા છે. અરજદારો ફક્ત 49 જ છે જ્યારે લાભાર્થી 508 છે. વળી અરજદારો એકબીજાના સંબંધી છે. અરજદારો પૈકી 29 અરજદારોના ત્યાં ઘર જ નથી. હાઇકોર્ટે અરજદારોને મકાનો ખાલી કરવા 30 દિવસનો સમય આપ્યો હતો અને તેની બાંહેધરી કોર્પોરેશનને અઠવાડિયામાં આપવા હુકમ કર્યો હતો.