ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવાશે
- હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે
- પોલીસ સ્ટેશનના સીસીટીવીમાં 18 મહિનાનું રેકોર્ડિંગ સાચવવું પડશે
- સીસીટીવીમાં પોલીસ સ્ટેશનનો ખણેખૂણો આવરી લેવો પડશે
અમદાવાદઃ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે.જોકે અમદાવા સહિત મહાનગરોના પોલીસ સ્ટેશનમાં મહિનાઓ પહેલા જ સીસીટીવી લગાવી દેવાયા છે. પણ પોલીસે સ્ટેશનના ખૂણેખણાનો વિસ્તાર કવર થાય તે રીતેના હાઈટેક કેમેરા લગાવવામાંમ આવી રહ્યા છે. પોલીસ સ્ટેશનની ગતિવિધિ પર હવે નજર રાખી શકાશે. તેમજ દરેક પોલીસ સ્ટેશને સીસીટીવીના કૂટેજનું રેકોર્ડિંગ 18 મહિના સાચવવું પડશે.
ગુજરાતમાં તમામ પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે, ઘણા પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લાગી પણ ગયા છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. અગાઉ 5 વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે તેના એક મહત્ત્વપૂર્ણ આદેશમાં કહ્યું હતું કે, પોલીસ સ્ટેશનના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ, લોકઅપ, કોરિડોર, લોબી, રિસેપ્શન એરિયા, સબ ઇન્સ્પેક્ટર અને ઇન્સ્પેક્ટરના રૂમમાં, પોલીસ સ્ટેશન બહાર, વોશરૂમની બહાર પણ CCTV કેમેરા લગાવવા જોઇએ. એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું હતું કે, આ CCTV કેમેરાનું રેકોર્ડિંગ 18 મહિના એટલે કે દોઢ વર્ષ સુધી સાચવી રાખવું પડશે.
પોલીસ સ્ટેશનમાં પીડિતોની ફરિયાદ ન લેવી આ ઉપરાંત કસ્ટોડિયલ ડેથની પણ ઘણી ફરિયાદો ઊઠી હતી. ત્યારે પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા ન હોવાના કારણે કસ્ટોડિયલ ડેથની વિગતો મેળવી શકાતી ન હતી. પરંતુ હવે પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા હોવાના કારણે કેવી રીતે આરોપીનું મોત થયું તેની માહિતી પણ જાણી શકાશે. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખી શકાશે.
પોલીસ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામા ડોમ અને બુલેટ એમ બે પ્રકારના છે. જેમાં ડોમ કેમેરા પોલીસ સ્ટેશનની અંદર લગાવાયા છે. જેના કારણે પોલીસ સ્ટેશનનો વાઇડ એંગલ તથા વ્યુઇંગનો મોટો એરિયા કવર કરે છે. જ્યારે બુલેટ કેમેરા પોલીસ સ્ટેશનની બહાર લગાવવામાં આવ્યાં છે. આ CCTV કેમેરા વોટર પ્રુફ હોય છે. જેથી આ કેમેરાને ચોમાસામાં પણ તકલીફ થતી નથી.