ભારે વરસાદને લીધે માઉન્ટ આબુનો રોડ તૂટી જતા ભારે વાહનોની અવર-જવર બંધ
- વરસાદને લીધે મહેસાણા, ખેડા અને બનાસકાંઠામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી,
- માઉન્ટ આબુ તરફ જતો એકમાત્ર રોડ આગામી આદેશ સુધી બંધ રહેશે,
- રોડ પર માત્ર માત્ર આવશ્યક સેવાઓને જ પરવાનગી આપવામાં આવશે,
અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને લીધે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેની હાલત બદતર બની છે. ત્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં પહાડ પરનો રોડ તૂટી જતાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સબ ડિવિઝનલ ઓફિસર ડો. અંશુ પ્રિયાએ સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ આદેશ આપ્યો છે કે, માઉન્ટ આબુ તરફ જતો એકમાત્ર રોડ આગામી આદેશ સુધી બંધ રહેશે. માત્ર આવશ્યક સેવાઓને જ પરવાનગી આપવામાં આવશે. ભારે વાહનોની અવરજવર આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
ગુજરાતમાં ભાદરવો ભરપુર બન્યો છે, રાજ્યમાં સરેરાશ 107 ટકા વરસાદ પડી ચુક્યો છે. જ્યારે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ સારોએવો વરસાદ પડ્યો છે, ગુજરાતમાં આજે સોમવારે બપોર સુધીમાં 63 તાલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં કચ્છના લખપતમાં 5 ઈંચ, રાપરમાં 4.45 ઈંચ અને બનાસકાંઠાના ભાબરમાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. આજે ભારે વરસાદની આગાહીને લીધે મહેસાણા, ખેડા અને બનાસકાંઠા જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી.
ગુરાતના સરહદ પર આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પહાડ પરનો રોડ તૂટી જતાં ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સબ ડિવિઝનલ ઓફિસર ડો. અંશુ પ્રિયાએ સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ આદેશ આપ્યો છે કે, માઉન્ટ આબુ તરફ જતો એકમાત્ર રોડ આગામી આદેશ સુધી બંધ રહેશે. રોડવેઝ, ટ્રાવેલ્સ બસો તેમજ અન્ય તમામ મોટા વાહનોને હાલ માટે પ્રવેશની મંજૂરી આપવામાં આવી નથી. પ્રશાસન દ્વારા નક્કી કરાયેલા નિયમ મુજબ દરરોજ રાત્રે 8:30 વાગ્યાથી સવારે 6:00 વાગ્યા સુધી આ રૂટ સંપૂર્ણપણે બંધ રહેશે અને માત્ર આવશ્યક સેવાઓને જ પરવાનગી આપવામાં આવશે. ભારે વાહનોની અવરજવર આગામી આદેશ સુધી સંપૂર્ણપણે બંધ રહેશે.
રાજસ્થાન પર હાલ સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ છે. આવામાં ચોમાસામાં ગુજરાતીઓના ફેવરિટ હિલ સ્ટેશન આબુની સ્થિતિ પણ વણસી છે. તેથી હાલ આબુમાં ગુજરાતીઓના ફરવા જવા પર બ્રેક લાગી શકે છે
હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ પશ્ચિમ દિશામાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફના કારણે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની સામે 23% વધુ વરસાદ નોંધાયો છે. ભારે પવન અને દરિયાઈ મોજા ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.