ઉનાળુ વેકેશનને લીધે ઉધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓનો ભારે ધસારો
- 4 એકસ્ટ્રા ટ્રેનોમાં 10 હજાર પ્રવાસીઓ ઉત્તર ભારત જવા રવાના
- રેલવે સ્ટેશન પર વ્યવસ્થા જળવવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
- પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા ટ્રેનો દોડાવાશે
સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં ઉત્તર ભારતના અનેક લોકો રોજગારી મેળવી રહ્યા છે. અને ઉત્તર ભારતના લોકો વાર-તહેવારે પોતાના માદરે વતન જતા હોય છે. હાલ ઉનાળું વેકેશન અને લગ્નસરાની સીઝનને લીધે ઉત્તર ભારતવાસીઓ પોતાના વતન જઈ રહ્યા છે. તેના લીધે શહેરના ઉધના રેલવે સ્ટેશન પર હૈયેહૈયુ દળાય એવી ભીડ જોવા મળી રહી છે. પ્રવાસીઓની ભીડને લીધે ઉધના-જયનગર અંત્યોદય એક્સપ્રેસ સહિત બે વધારાની વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. ઉધના રેલવે સ્ટેશન પર ભીડ વ્યવસ્થાપન માટે, સ્થાનિક અધિકારીઓ સાથે RPF, GRP અને ટિકિટ ચેકિંગ સ્ટાફને તૈનાત કરવામાં આવ્યા છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રહેતા ઉત્તર ભારતીયો ઉનાળાના વેકેશનમાં પોતાના માદરે વતન જવા માટે મોટી સંખ્યામાં ઉધના રેલવે સ્ટેશન પહોંચી રહ્યા છે. શનિવાર રાતથી જ ઉધના રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભીડ શરૂ થઈ ગઈ હતી. જોકે, મુંબઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સૂચના પર, સ્થાનિક અધિકારીઓએ ભીડ વ્યવસ્થાપન માટે પહેલેથી જ તૈયારીઓ કરી લીધી હતી. પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ 09037 ઉધના-બરૌની એક્સપ્રેસ સવારે 6.45 કલાકે અને બાદમાં 09031 ઉધના-જયનગર ક્લોન સ્પેશિયલ ઉધના-જયનગર અંત્યોદય એક્સપ્રેસને 20 એપ્રિલ, રવિવારના રોજ ઉધના રેલ્વે સ્ટેશનથી દોડાવવામાં આવી છે. આનાથી પ્રવાસીઓને ઘણી રાહત મળી છે. ઉધના-બરૌની સ્પેશિયલ ટ્રેનમાં 18 સેકન્ડ ક્લાસ સ્લીપર અને ચાર જનરલ ક્લાસ કોચમાં લગભગ 2300 મુસાફરોએ મુસાફરી કરી હતી.
ઉધના-જયનગર ક્લોન સ્પેશિયલમાં લગભગ 2400 મુસાફરોએ મુસાફરી કરી હતી. ઉધના-જયનગર અંત્યોદય એક્સપ્રેસમાં, ચાર હજારથી વધુ મુસાફરોને કતારમાં બેસાડવા માટે મહત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, બાકીના મુસાફરોને તાપ્તી ગંગા એક્સપ્રેસ અને ઉધના-જયનગર ક્લોન સ્પેશિયલમાં મોકલવામાં આવ્યા હતા.