ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 5 નવેમ્બરથી રાહતની આશા
અમદાવાદઃ રાજ્યમાં ચોમાસા બાદ પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 24 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે., જ્યારે ત્યારબાદના ત્રણ દિવસ દરમિયાન મધ્યમથી હળવા વરસાદની શક્યતા છે. રાજ્યમાં સતત વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, હાલની હવામાન પરિસ્થિતિ મુજબ અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત અને બોટાદ જિલ્લાઓમાં વરસાદ વરસવાની સંભાવના છે. સુરત અને બોટાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર રાજકોટ, મોરબી, ભાવનગર અને ખંભાતના અખાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડિપ્રેશન હવે ધીમે ધીમે નબળું પડતું જાય છે, જેના કારણે રાજ્યને આંશિક રાહત મળશે. તેમ છતાં સુરક્ષાના ભાગરૂપે તમામ બંદરો પર LC-3 સિગ્નલ યથાવત રાખવામાં આવ્યા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ અપાઈ છે. હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ, 5 નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની સંભાવના ઘટી જશે અને હવામાન સામાન્ય થવાની આશા છે. એટલે કે ચોમાસા જેવી પરિસ્થિતિ હવે ધીમે ધીમે સમાપ્ત થતી જણાશે.
અમદાવાદમાં આજનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે. વરસાદી માહોલને કારણે તાપમાન સામાન્ય કરતાં નીચું રહેશે. હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જે દર્શાવે છે કે વરસાદી અસર વ્યાપક રહી છે.