For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારે વરસાદને લીધે થરાદ-ધાનેરા હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા

04:33 PM Jul 06, 2025 IST | revoi editor
ભારે વરસાદને લીધે થરાદ ધાનેરા હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા
Advertisement
  • હાઈવે પરના ત્રણ રસ્તા પર પાણી ભરાતા તળાવ જેવા દ્રશ્યો,
  • હાઈવે પર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નથી,
  • થરામાં પણ સર્વિસ રોડ પર પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં

થરાદઃ બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. જેમાં થરાદ પંથકમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે નગરમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. થરાદ-ધાનેરા ત્રણ રસ્તા પાસે નવનિર્મિત હાઈવે અને સર્વિસ રોડ પર પાણી ભરાવાથી તળાવ જેવી સ્થિતિ સર્જાઈ છે. હાઈવે પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે.

Advertisement

થરાદ-ધાનેરા હાઈવે પર વરસાદને લીધે ઘણી જગ્યાએ પાણી ભરાયા છે. જેમાં ધાનેરા હાઈવે પર ત્રણ રસ્તા પાસે પાણી ભરાયા છે. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વાહનચાલકો અને વેપારીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શુક્રવાર પડેલા ભારે વરસાદ અને શનિવારે બપોર બાદ પડેલા વરસાદને કારણે પરિસ્થિતિ વધુ વણસી છે. થરાદ-સાંચોર હાઈવે પર આવેલા ધાનેરા ત્રણ રસ્તા પર વરસાદી પાણીનું તળાવ બની જતાં વાહનચાલકોએ જાણે તળાવમાંથી પસાર થવું પડે એવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક વાહનચાલકોના જણાવ્યા મુજબ, જો તંત્ર દ્વારા યોગ્ય ઢાળ બનાવવામાં આવ્યો હોત તો આજુબાજુમાં પાણીનો નિકાલ થઈ શક્યો હોત. તંત્રની બેદરકારીને કારણે દર વરસાદે ત્રણ રસ્તા પર તળાવ ભરાઈ જાય છે. સ્થાનિકો તંત્ર પાસે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી રહ્યા છે.

આ ઉપરાંત કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયું છે. બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાષ્ટ્રીય ધોરી માર્ગના અધિકારીઓને વારંવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે લોકોમાં રોષ ફેલાયો છે. સતત પાણી ભરાતા રોડ પર મોટા ખાડા પડી ગયા છે. જેથી વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડી રહ્યું છે. આ મુદ્દે કાંકરેજના ધારાસભ્ય અને બનાસકાંઠા સાંસદે પણ રજૂઆતો કરી હોવા છતાં કોઈ ઉકેલ આવતો નથી.

Advertisement

Advertisement
Tags :
Advertisement