દિલ્હી અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગરમીની આગાહી
નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગે દિલ્હી અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ગરમીની ચેતવણી જાહેર કરી છે. આગામી દિવસોમાં તાપમાન 42 ડિગ્રી થવાની આગાહી છે. દિલ્હી ઉપરાંત, આગામી દિવસોમાં દક્ષિણ હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશ જેવા ઉત્તર ભારતના વિસ્તારોમાં તીવ્ર ગરમી પડી શકે છે.
6થી 10 એપ્રિલ સુધી, IMDએ સ્વચ્છ આકાશની આગાહી કરી છે, જેમાં મહત્તમ તાપમાન ધીમે ધીમે 41 ડિગ્રી સુધી વધશે અને અઠવાડિયાના મધ્ય સુધીમાં 42 ડિગ્રી સુધી પહોંચી જશે. વધતા તાપમાનની સાથે તીવ્ર પવનો ફૂંકાય તેવી શક્યતા છે. આ પવનો, 20થી 30 કિમી/કલાકની ઝડપે તો ક્યારેક 40 કિમી/કલાકની ઝડપે પહોંચી શકે છે. ઊંચા તાપમાન અને તીવ્ર પવનનું આ મિશ્રણ હવામાનને વધુ ગરમ બનાવશે.
10થી 11 દિવસ ગરમીના મોજાની આગાહી કરી છે. અધિકારીઓએ લોકોને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરી છે, જેમાં હાઈડ્રેટેડ રહેવું, પીક અવર્સ દરમિયાન બહારની પ્રવૃત્તિઓ ટાળવી, ઘરો અને કાર્યસ્થળોમાં યોગ્ય વેન્ટિલેશન સુનિશ્ચિત કરવું. વૃદ્ધો, બાળકો અને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા લોકો જેવા સંવેદનશીલ વ્યક્તિઓને શક્ય તેટલું ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.