દિલ્હી બ્લાસ્ટ પછી પાકિસ્તાનમાં ‘જૈશ-એ-મોહમ્મદ’ના હેડક્વાર્ટરમાં મળી મીટીંગ, 8 અડ્ડા ખાલી કરાવવા આદેશ
નવી દિલ્હીઃ દિલ્હીના લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટની ઘટના બાદ પાકિસ્તાનના બહાવલપુર સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના નવા હેડક્વાર્ટર મરકઝ ઉસ્માન ઓ અલીમાં ખળભળાટ મચી ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બુધવારે અસ્રની નમાઝ બાદ ત્યાં સંગઠનના ટોચના કમાન્ડરોની તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ડેપ્યુટી કમાન્ડર મૌલાના તલ્હા અલ સાઇફની અધ્યક્ષતા હેઠળ ચર્ચા થઈ હતી. સૂત્રો મુજબ, બેઠક દરમિયાન તલ્હા અલ સાઇફે ભારતીય સેના દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન જાહેર કરાયેલી લશ્કર-જૈશના 21 આતંકી ઠેકાણાઓની યાદી ટોચના કમાન્ડરો સમક્ષ મૂકી હતી. તેમજ તેણે આદેશ આપ્યો કે આમાંના 8 ઠેકાણાઓને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવે અને આગામી આદેશ સુધી કોઈ પણ કમાન્ડર જાહેર મંચ પર દિલ્હી બ્લાસ્ટ અથવા ધરપકડ કરાયેલા આરોપીઓને લઈને કોઈ નિવેદન ન આપે.
જૈશના ડેપ્યુટી ચીફે પોતાના તમામ કમાન્ડરોને સૂચના આપી કે સંગઠનના તમામ નીચલા સ્તરના કેડરોને ચેતવવામાં આવે કે, દિલ્હી બ્લાસ્ટ પર સોશિયલ મીડિયામાં કોઈ ખુશી વ્યક્ત કરવી કે પ્રતિભાવ આપવો નહીં. કારણ કે આવું કરવાથી ફરીદાબાદ-સહારનપુર મોડ્યુલનો સીધો સંબંધ જૈશ સાથે જોડાતો દેખાઈ શકે છે. આ બેઠક દરમિયાન લગભગ બે કલાક સુધી ચર્ચા ચાલી હતી. સૂત્રો મુજબ, તેમાં આ મુદ્દો પણ ઉઠ્યો કે બ્લાસ્ટની જવાબદારી અલકાયદાની દક્ષિણ એશિયા શાખા મારફતે લેવડાવવી કે નહીં. આ પર તલ્હા અલ સાઇફે કહ્યું કે “જવાબદારી લેવી છે કે નહીં, તેનો નિર્ણય ખુદ મૌલાના મસૂદ અઝહર કરશે.”
મૌલાના મસૂદ અઝહરે પોતાનો સંદેશ બેઠકમાં હાજર કમાન્ડરો સુધી પહોંચાડ્યો હતો. તેણે આગામી થોડા દિવસોમાં માત્ર એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્સનો જ ઉપયોગ કરવાનો અને અજાણ્યા ફોન કોલ્સ ન ઉઠાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. માહિતી મુજબ, મસૂદ અઝહર પોતે આ બેઠકમાં હાજર નહોતો, અને તેના ગેરહાજર હોવાનું કોઈ કારણ પણ કમાન્ડરોને જણાવાયુ ન હતું. સુત્રોના જણાવ્યા અનુસાર, મૌલાના અમ્માર અલ્વી ઉર્ફ મોહીઉદ્દીન ઔરંગઝેબએ કમાન્ડરોને જણાવ્યું કે સહારનપુર અને ફરીદાબાદમાંથી પકડાયેલા આરોપીઓને તેના હેન્ડલરો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર પોલીસે અત્યાર સુધી જૈશ-એ-મોહમ્મદના ફિદાયીન મોડ્યુલ સાથે જોડાયેલા 8થી વધુ લોકોને ઝડપી લીધા છે અને અન્યના રોલની તપાસ ચાલુ છે. બીજી તરફ દિલ્હી બ્લાસ્ટ કેસને લઈને એનઆઈએ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ભારતીય સુરક્ષા એજન્સીઓની તપાસમાં દિલ્હી બ્લાસ્ટને લઈને ચોંકાવનારા ખુલાસા થયાં છે. તેમજ આગામી દિવસોમાં આ કેસને લઈને હજુ ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.