હ્રદયરોગના દર્દીને મૃત જાહેર કરાયા બાદ 15 મીનીટ પછી હ્રદય ધબકવા લાગ્યું
- સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં અંકલેશ્વરથી દર્દીને સારવાર માટે લવાયો હતો,
- સારવાર દરમિયાન હૃદય બંધ પડ્યુ અને ECG મોનિટર પર 'સ્ટ્રેટ લાઇન' દેખાવા લાગી,
- તબીબોએ રહ્યુ, મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ આ અત્યંત દુર્લભ ઘટના છે,
સુરતઃ શહેરની ન્યુ સિવિલ હોસ્પિટલમાં એક હ્રદયરોગના દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. સારવાગ દરમિયાન દર્દીનું હ્રદય ધબકવાનું સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. ડોક્ટરોએ તમામ પ્રયાસો કર્યા પછી તેને મૃત જાહેર કરી દીધો, પરંતુ લગભગ 15 મિનિટ પછી તેનું હૃદય ફરીથી ધબકવા લાગ્યું. આ ઘટના હવે સમગ્ર સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે
સુરતની ન્યુ સિવિલ હોસ્પિટલમાં અંકલેશ્વરના રહેવાસી 45 વર્ષીય રાજેશ પટેલને ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે રાજેશ પટેલને ગંભીર હાર્ટ ફેલ્યોરની સમસ્યા હતી. સારવાર દરમિયાન અચાનક તેમનું હૃદય અટકી ગયું અને ઇસીજી મોનિટર પર 'સ્ટ્રેટ લાઇન' દેખાવા લાગી. ટીમે સીપીઆર (CPR) અને દવાઓ દ્વારા જીવન બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહીં. આ પછી મેડિકલ ટીમે રાજેશ પટેલને મૃત જાહેર કરી દીધા હતા. પરંતુ આ જાહેરાતના લગભગ 15 મિનિટ પછી એવું થયું, જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. મોનિટર પર અચાનક હૃદયના ધબકારા દેખાવા લાગ્યા અને દર્દીના શરીરમાં હલચલ અનુભવાઈ. હાજર ડોક્ટરોએ તરત જ રાજેશને ફરીથી આઈસીયુમાં શિફ્ટ કર્યા અને સારવાર શરૂ કરી દીધી હતી.
સુરત સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર (CMO) ડો. ઉમેશ ચૌધરીએ કહ્યું, "મારા 30 વર્ષના તબીબી કરિયરમાં આ પહેલી વાર થયું છે કે કોઈ 'સ્ટ્રેટ લાઇન' દર્દીના ધબકારા આપોઆપ પાછા આવ્યા હોય. મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ આ અત્યંત દુર્લભ ઘટના છે." તેમણે જણાવ્યું કે દર્દીની હાલત હજી પણ નાજુક છે અને તેને આઈસીયુમાં વિશેષ દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.
આ અંગે દર્દીના પરિવારજનો પણ 'ઈશ્વરીય ચમત્કાર' માની રહ્યા છે. રાજેશ પટેલના ભાઈ મેલાભાઈ પટેલે જણાવ્યું, "અમે જાતે જોયું કે જ્યારે ડોક્ટર બીજા દર્દીને જોવા ચાલ્યા ગયા હતા, ત્યારે જ મારા ભાઈના હૃદયના ધબકારા અચાનક શરૂ થઈ ગયા. ડોક્ટરોએ તપાસ કરી તો ખબર પડી કે તે જીવિત છે. આ કોઈ ચમત્કારથી ઓછું નથી." હોસ્પિટલના સૂત્રો અનુસાર, દર્દીની વર્તમાન સ્થિતિ સ્થિર છે પરંતુ આગામી કેટલાક દિવસો તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ ઘટનાએ માત્ર ડોક્ટરોને જ નહીં પરંતુ સામાન્ય લોકોમાં પણ આશા અને આસ્થાની નવી ભાવના જગાડી છે