ગુજરાતમાં ધાર્મિક માહોલમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી
અમદાવાદઃ રાજ્યમાં આજે ગુરુવારે ગુરૂપૂર્ણિમાની વિવિધ ધાર્મિક સંસ્થાઓમાં ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ પોતાના ગુરુની પુજા કરીને તેમના આર્શિવાદ મેળવ્યાં હતા. વિવિધ ધાર્મિક સંસ્થાઓમાં સવારથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત આજના આ પાવન પર્વ ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આજે પાવન ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુ અને શિષ્ય પરંપરાનું અનેરું મહત્વ જોવા મળ્યું. શિષ્યો દ્વારા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, આસ્થા અને ભક્તિભાવ વ્યક્ત કરવા માટે આજે ઠેર ઠેર ગુરુ પૂજનના કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે, અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર ખાતે પણ ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આજે સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગન્નાથ મંદિરે ઉમટી પડ્યા હતા અને મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજનું ભાવપૂર્વક ગુરુ પૂજન કર્યું હતું. ભક્તોએ મહંતશ્રીના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે, દિલીપદાસજી મહારાજે ગુરુ-શિષ્ય પરંપરાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "આજે પણ ગુરુ-શિષ્ય પરંપરા જીવંત છે અને તેનું મહત્વ યથાવત છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "શિષ્યના જીવનમાં સાચા માર્ગદર્શન માટે ગુરુની આવશ્યકતા અનિવાર્ય છે, જેના દ્વારા તે પોતાનું જીવન સફળ અને પ્રગતિમય બનાવી શકે છે."
મહંતશ્રીના પ્રવચનોએ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પ્રેરણા પૂરી પાડી હતી અને ગુરુના મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યું હતું. આજના દિવસે ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીને શિષ્યોએ આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોના સંવર્ધનનો સંકલ્પ લીધો હતો.