ગુજરાતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષમાં સૌથી લાંબી મંદી, હીરાની નિકાસ 1.12 લાખ કરોડ ઘટી
- વર્ષ 2023-24માં 31 લાખ કરોડનું એક્સપોર્ટ થયું હતું
- ચાઈનામાં છેલ્લા બે વર્ષથી ડાયમંડ જ્વેલરીને બદલે ગોલ્ડ જ્વેલરીની માંગ વધી,
- યુએસમાં પણ લોકો હવે સસ્તી જ્વેલરી ખરીદી રહ્યા છે
સુરત: હીરા ઉદ્યોગમાં છેલ્લા અઢી વર્ષથી મંદીની મોકાણ ચાલી રહી છે. શહેરના અનેક હીરાના કારખાનાને તાળાં લાગી ગયા છે. અનેક રત્ન કલાકારો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ડાયમંડ ઉદ્યોગમાં 50 વર્ષના ઇતિહાસમાં આ સૌથી લાંબી મંદી હોવાનું કહેવાય છે. 2024-25માં નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ માત્ર 1.12 લાખ કરોડ રહ્યું છે. આ આંકડો ગત વર્ષની સરખામણીએ 20 હજાર કરોડ ઓછો છે.
હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા એક્સપોર્ટરોના કહેવા મુજબ વર્ષ 2023-24માં 1.31 લાખ કરોડનું એક્સપોર્ટ થયું હતું. ચાઈનામાં છેલ્લા બે વર્ષથી ડાયમંડ જ્વેલરીને બદલે ગોલ્ડ જ્વેલરીની માંગ વધી છે. નોંધનીય છે કે વર્ષ 2021-22માં કોરોના દરમિયાન 1.80 લાખ કરોડનું રેકોર્ડ એક્સપોર્ટ થયું હતું.
સુરત શહેરમાં 5 હજાર જેટલા કટ એન્ડ પોલિશના કારખાના આવેલા છે. નેચરલ ડાયમંડની માંગ ઘટી છે, પરંતુ લેબગ્રોન ડાયમંડની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. લેબગ્રોન ડાયમંડના ઓછા ભાવ અને વધતી માંગે સુરતની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ટેકો આપ્યો છે. અમેરિકા-યુરોપમાં આર્થિક મંદીને કારણે ગ્રાહકો સસ્તી જ્વેલરી તરફ વળ્યા છે. કોરોના બાદની આર્થિક મંદીને લીધે વિદેશમાં હીરાની ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. 2024-25માં લેબગ્રોન ડાયમંડનું 10,717 કરોડનું એક્સપોર્ટ થયું, જે ગત વર્ષ કરતાં 7.7 ટકા ઓછું છે. યુવા પેઢી લેબગ્રોન હીરાને તેની કિફાયતી કિંમત અને પર્યાવરણ અનુકૂળતાને કારણે વધુ પસંદ કરી રહ્યા છે. G7 દેશોના રશિયન હીરા પરના પ્રતિબંધની પણ અસર જોવા મળી છે.
હીરાના એક્સપોર્ટરોએ જણાવ્યું હતું કે યુક્રેન-રશિયા, ઈઝરાયેલ-હામસ યુદ્ધ ઉપરાંત અમેરિકાના લોકો સસ્તી જ્વેલરી ખરીદી રહ્યા છે, જેથી નેચરલ ડાયમંડનું એક્સપોર્ટ ઘટ્યું છે. ખાસ કરીને તેઓ 250 ડોલર (અંદાજે 20 હાજર રૂપિયા)ની અંદરની જ્વેલરી પસંદ કરે છે. છતાં આગામી વર્ષમાં નેચરલ ડાયમંડની ડિમાન્ડ વધી શકે છે.