વેરાવળ પાસે પ્રિ-વેડિંગના ફોટો શુટ દરમિયાન દરિયામાં તણાઈ ગયેલી યુવતીનો મૃતદેહ મળ્યો
- વેરાવળના દરિયામાં યુવતી સહિત સાત લોકો તણાયા હતા,
- સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડે 6 યુવાનોને બચાવી લીધા હતા,
- યુવતીનો મૃતદેહ 2 દિવસ બાદ 24 કિમી દૂર માંગરોળના દરિયામાંથી મળ્યો
વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર ત્રણ દિવસ પહેલા એટલે કે, ગઈ તા, 7 નવેમ્બરના રોજ પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન વર-વધૂ સહિત સાત લોકો દરિયાના મોજામાં તણાયા હતા. જોકે આ ઘટના બાદ સ્થાનિક તરવૈયાઓ અને ફાયરબ્રિગેડની ટીમોએ દોડી આવીને 6 લોકોને બચાવી લીધા હતા, જ્યારે એક યુવતી લાપતા થઈ હતી. જોકે, બે દિવસ બાદ આદરી બીચથી તણાયેલી યુવતીનો મૃતદેહ 24.2 કિમી (15 નોટિકલ માઈલ) દૂર જૂનાગઢના માંગરોળ દરિયાકિનારેથી મળી આવ્યો છે. યુવતીના મૃતદેહને માછીમારોની મદદથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે માંગરોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત એવી હતી કે, માંગરોળ તાલુકાના ઢેલાણા ગામની એક યુવતી ગીર સોમનાથ જિલ્લાના આદરી ગામે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગઈ હતી. આ દરમિયાન યુવતી તેમજ વર-વધૂ સહિત સાતથી આઠ લોકો ફોટોશૂટ માટે આદરી બીચ ગયા હતા. ત્યારે અચાનક દરિયામાં આવેલા ઊંચા મોજામાં સાત લોકો તણાયા હતા. જોકે, સ્થાનિક તરવૈયાઓની મદદથી છ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે ઢેલાણા ગામની આ યુવતી દરિયાના પાણીમાં લાપતા થઈ હતી. આ ઘટના બાદ સ્થાનિક તંત્ર અને માછીમારો દ્વારા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પણ કોઈ પત્તો લાગ્યો નહોતો. છેલ્લા બે દિવસથી યુવતીની શોધખોળ ચાલી રહી હતી.ત્યારે જૂનાગઢ જિલ્લાના માંગરોળ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી એક લાશ તરતી હોવાની જાણ માછીમારોને થઈ હતી. માછીમારોએ તાત્કાલિક આ લાશને તેમની બોટ દ્વારા દરિયામાંથી બહાર કાઢી હતી. ત્યાર બાદ યુવતીના મૃતદેહની ઓળખ કરવા અને કાયદેસરની કાર્યવાહી માટે માંગરોળની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ આદરીના દરિયામાં ગુમ થયેલી ઠેલાણા ગામની યુવતીનો હોવાની પુષ્ટિ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આદરી દરિયાકિનારેથી ગુમ થયેલી યુવીતનો મૃતદેહ 24.2 કિમી (15 નોટિકલ માઈલ) દૂર જૂનાગઢના માંગરોળ દરિયાકિનારેથી મળી આવ્યો હતો. લગ્ન પ્રસંગના માહોલમાં બનેલી આ કરૂણ ઘટનાથી ઢેલાણા ગામ અને યુવતીના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.