ગાંધીનગરમાં ગુજરાતનું સાયબર ક્રાઈમ યુનિટ કાર્યરત કરાશે, સરકારે કર્યો નિર્ણય
- ગાંધીનગરમાં સાયબર ક્રાઈમ યુનિટનું અલગથી ભવન બનશે,
- સાયબર ક્રાઈમ યુનિટમાં એક IG, DIG, 5 SP, 8 DYSPઅને 15 PI સહિતને જવાબદારી સોંપાશે,
- રાજ્યમાં સાયબર ક્રાઈમના વધતા ગુના સામે સરકારનો નિર્ણય
ગાંધીનગરઃ ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવો વધતા જાય છે. અનેક લોકો સાયબર ક્રાઈમનો ભાગ બની રહ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમમાં વધતા જતા ગુનાઓને અટકાવવા તથા ગુનાઓને વહેલી તકે શોધવાની સાથોસાથ ગુનેગારોને જેલ સુધી પહોંચાડી શકાય તે માટે એટીએસની માફક ગાંધીનગરમાં રાજ્યનું અલાયદુ સાયબર ક્રાઇમ યુનિટ ઊભું કરવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. સાયબર ક્રાઈમ યુનિટને અત્યંત આધુનિક સાધનો સજ્જ કરાશે. સાઈબર ક્રાઈમના નિષ્ણાતોની નિમણૂકો કરીને સાયબર ક્રાઈમના ગુનાઓમાં નિયંત્રણ મેળવાશે.
સૂત્રોના જણાવ્યા મુજબ સાયબર ક્રાઈમના ગુનાઓને રોકવા માટે સાયબર ક્રાઇમ યુનિટનું ગાંધીનગરમાં અલગથી ભવન બનાવાશે. સાયબર ક્રાઈમ યુનિટમાં એક આઈજી, એક ડીઆજી, 5 એસપી, 8 ડીવાયએસપી, 15 પીઆઈ, અને જરૂરી પોલીસ કર્મચારીઓની નિમણૂકો કરાશે. ઉપરાતં સાયબર ક્રાઈમના ગુના ઉકેલવા નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવશે.
તાજેતરમાં લોકસભામાં રજૂ કરાયેલા ડેટા મુજબ 2020-21થી ગુજરાતમાં સાયબર છેતરપિંડીના કુલ 23,784 કેસ નોંધાયા છે. જે વાર્ષિક સરેરાશ 4,757 અને દૈનિક 13 કેસ છે, જ્યારે દર બે કલાકે સરેરાશ એક સાયબર ક્રાઈમનો ગુનો બને છે. સાયબર માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી શકાય તે માટે ગુજરાત સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં 2023ના આંકડાઓ પર નજર કરીએ તો 1930 પર કુલ 1 લાખ 21 હજાર 701 ફોન કોલ કરાયા છે. જેમા એકંદરે જોઈએ તો 2023માં 333 ફોન દરરોજ અને દર ચાર મિનિટમાં 1 ફોન જતો હોય છે. ભારતમાં જોવા જઈએ તો આવા કેસમાં ગુજરાત ત્રીજા નંબર પર છે અને આની પહેલા ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રનો નંબર આવે છે.