ગુજરાતઃ બે દાયકામાં દૂધ ઉત્પાદનમાં 118.91 લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો
અમદાવાદઃ એપ્રિલ માસનો છેલ્લો શનિવાર એટલે પશુ આરોગ્ય સેવાને બીરદાવવા માટેનો “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ”. ગુજરાતમાં પશુઓને ઘર આંગણે સારવાર પૂરી પાડવા માટે રાજ્યમાં કુલ ૫૮૭ ફરતા પશુ દવાખાના કાર્યરત છે. ગુજરાતમાં અત્યારે પશુઓની આરોગ્ય સેવામાં ૪,૨૭૬ ચિકિત્સકો ઉપલબ્ધ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો; સરેરાશ ૯.૨૬ ટકાનો વાર્ષિક વધારો થયો છે.
ભારત દેશ આજે દૂધ ઉત્પાદન અને ડેરી વિકાસ ક્ષેત્રે સમગ્ર વિશ્વમાં સર્વપ્રથમ છે. તેવી જ રીતે, ગુજરાત રાજ્ય પણ દેશના કુલ દૂધ ઉત્પાદનમાં મહત્વપૂર્ણ ફાળા સાથે પ્રથમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ મેળવવા માટે સારી નસલના પશુ, પશુઓનું સારું સ્વાસ્થ્ય અને સરકારની ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એટલા માટે જ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારથી જ તેમણે રાજ્યમાં પશુ સ્વાસ્થ્ય સેવાઓ વિકસાવવાનો મક્કમ નિર્ધાર કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પશુપાલન મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પશુઓને ગુણવત્તાયુક્ત અને ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે પશુ સ્વાસ્થ્ય સેવાનું સુદ્રઢ માળખું ઉભું થયું છે.
ગુજરાતના મહામૂલા પશુધન માટે રાજ્યમાં કુલ 929 જિલ્લા પંચાયત સંચાલિત પશુ દવાખાના, ૫૫૨ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર, 460 જેટલા ફરતા પશુ દવાખાના, 127 કેન્દ્ર પુરુસ્કૃત ફરતા પશુ દવાખાના, 34 વિવિધલક્ષી પશુ ચિકિત્સાલય અને 21 પશુ રોગ અન્વેષણ એકમો કાર્યરત છે. આ સુદ્રઢ પશુ આરોગ્ય માળખાના માધ્યમથી રાજ્યની પોણા ત્રણ કરોડ જેટલી પશુ સંપદાને આરોગ્ય રક્ષા કવચ પુરૂં પાડીને રાજ્ય સરકાર ‘દરેક જીવને અભયદાન‘નો મંત્ર ખરા અર્થમાં સાર્થક કરી રહી છે. એટલું જ નહિ, પશુઓને સારવાર, રસીકરણ અને કૃમિનાશક દવાઓ જેવી આવશ્યક આરોગ્ય સેવાઓ તેમજ પશુઓના પ્રજનન, વ્યંધત્વ નિવારણ અને પોષણ સંબંધિત માર્ગદર્શન આપવા માટે ગુજરાતમાં અત્યારે પશુઓની ચિકિત્સા માટે કુલ 4,276 ચિકિત્સકો નોંધાયેલ છે. જેમાંથી 650 ચિકિત્સકો સરકારી સેવાઓ હેઠળ, 950 ચિકિત્સકો વિવિધ ડેરી સંઘોમાં, 500થી વધુ ચિકિત્સકો GVK-EMRIની સેવાઓમાં, 350 ચિકિત્સકો યુનિવર્સિટીઓમાં, 800થી વધુ ચિકિત્સકો પ્રાઈવેટ સેક્ટરમાં તેમજ 1,000થી વધુ ચિકિત્સકો બેંક/ઈન્સ્યુરન્સ/ફાર્મા જેવા અન્ય સેક્ટરમાં કાર્યરત છે.
પશુ આરોગ્ય ક્ષેત્રમાં પશુ ચિકિત્સકોના યોગદાનને બિરદાવવા માટે વર્ષ 2000થી દર વર્ષે એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે "એનિમલ હેલ્થ ટેક્સ અ ટીમ"ની થીમ પર પશુ ચિકિત્સા દિવસ ઉજવવાનો નિર્ણય થયો છે. જે પશુઓના સ્વાસ્થ્યની જાળવણી માટે પશુપાલકો, પશુનિષ્ણાતો, પોષણવિદો, આરોગ્ય કર્મચારીઓ અને સમુદાયના સહિયારા પ્રયાસોના મહત્વને ઉજાગર કરશે. છેલ્લા બે દાયકા દરમિયાન ગુજરાતમાં વિકસેલા સુદ્રઢ પશુ આરોગ્ય માળખાને પરિણામે આ સમયગાળામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં 118.91 લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારા સાથે ગુજરાત દૂધ ઉત્પાદનમાં દેશમાં ચોથા સ્થાને પહોંચ્યું છે. આ બે દાયકા દરમિયાન રાજ્યના દૂધ ઉત્પાદનમાં સરેરાશ 9.26 ટકાનો વાર્ષિક વધારો નોંધાયો છે. સાથે જ, રાજ્યમાં દૂધની માથાદીઠ ઉપલબ્ધતા પણ 333 ગ્રામ પ્રતિ દિનથી વધીને અત્યારે 700 ગ્રામ પ્રતિ દિન થઇ છે. દૂધ ઉત્પાદન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતને દેશના પ્રથમ હરોળ રાજ્યોમાં તેમજ ભારતને વિશ્વમાં પ્રથમ ક્રમે પહોંચાડવામાં પશુપાલકોની મહેનત ઉપરાંત પશુઓને સ્વસ્થ રાખતું સરકારનું સુદ્રઢ પશુ આરોગ્ય માળખાનું અને પશુ ચિકિત્સકોનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. આજનો વિશ્વ પશુ ચિકિત્સા દિવસ એ તમામ પશુ ચિકિત્સકો અને તેમની ટીમના નિઃસ્વાર્થ સેવાભાવને બીરદાવવાનો અનેરો દિવસ છે.