ગુજરાતઃ ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ
ગાંધીનગરઃ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે વાવેતર પહેલા જ ભારત સરકાર દ્વારા મગફળી, મગ, અડદ અને સોયાબીનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતા. ખરીદ પાકોનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે નોંધણી ગત તા. 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે ખરીદીનો લાભ મેળવી શકે તે માટે નોંધણીની સમયમર્યાદા તા. 15 સપ્ટેમ્બરથી આગામી એક અઠવાડિયા સુધી લંબાવવામાં આવી છે. એટલે કે, રાજ્યના ખેડૂતો હવે આગામી તા. 22 સપ્ટેમબર સુધી ટેકાના ભાવે વેચાણ માટે નોંધણી કરાવી શકશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સંદર્ભે જણાવ્યું હતું કે, મગફળી પાકની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી શરુ થયાના પ્રથમ દિવસે જ તકનીકી કારણોસર એક દિવસ માટે નોંધણી પ્રક્રિયા બંધ રહી હતી. આ ઉપરાંત ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે મગફળીનું વાવેતર પુષ્કળ થયું હોવાથી અનેક ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણીની સમય મર્યાદા લંબાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી.
ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની સમયમર્યાદા એક અઠવાડિયા સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેથી રાજ્યના ખેડૂતો આગામી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
કૃષિ મંત્રીશ્રીએ રાજ્યના ખેડૂતોને અનુરોધ કર્યો છે કે, ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોએ કરાવેલી નોંધણીમાં દર્શાવેલા પાક અને સર્વે નંબરનું સેટેલાઈટ ઈમેજ આધારિત વેરીફીકેશન અને ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જેથી ખેડૂત મિત્રોએ જે સર્વે નંબરમાં મગફળીનું વાવેતર કર્યું હોય, તે જ સર્વે નંબરની ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
સેટેલાઇટ સર્વે દ્વારા જે સર્વે નંબર પર મગફળીનું વાવેતર જોવા નહીં મળે, તેવા કિસ્સામાં ખેતરમાં જઈને વાવેતરની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોએ જે તે સર્વે નંબરમાં મગફળીના વાવેતરનો જીઓ ટેગ્ડ (Geo-tagged) ફોટો લઇને પોતાના પાસે આધાર પૂરાવા તરીકે રાખવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.