For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ દૂધ સંજીવની યોજના હેઠળ 9.75 લાખથી વધુ બાળકોને મળ્યો લાભ

06:01 PM Oct 03, 2025 IST | revoi editor
ગુજરાતઃ દૂધ સંજીવની યોજના હેઠળ 9 75 લાખથી વધુ બાળકોને મળ્યો લાભ
Advertisement

ગાંધીનગરઃ ગુજરાત સરકારે બાળકોના સશક્ત ભવિષ્ય માટે 'દૂધ સંજીવની યોજના' અમલી બનાવી છે. આ યોજના લાખો બાળકો માટે જીવનદાયી બની છે. ખાસ કરીને ગરીબ અને અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ અપાતી દૂધ સંજીવની તેમને રોગો સામે લડવાની શક્તિ અને શ્રેષ્ઠ શિક્ષણ મેળવવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડે છે. બાળ સ્વાસ્થ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતી આ યોજના, ગુજરાતના આદિવાસી બાળકો માટે આશીર્વાદ બની રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં રાજ્યના કુલ 9,75,103 બાળકોને લાભ આપવામાં આવ્યો છે. સરકારી અને અનુદાનિત શાળાઓમાં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓને દરરોજ પોષણથી ભરપૂર દૂધ આપવામાં આવે છે. આ યોજના થકી બાળકો તંદુરસ્ત રહી ભણતરમાં વધુ ધ્યાન આપી શકે છે. રાજ્યના 20 જિલ્લાના 105 આદિજાતિ અને ૩૬ વિકાસશીલ ઘટકોને મળી કુલ ૧૪૧ ઘટકોમાં આ યોજના કાર્યરત છે. તેનો મુખ્ય ઉદ્દેશ આંગણવાડી કેન્દ્રો દ્વારા પોષણયુક્ત દૂધનું વિતરણ કરીને બાળકો અને માતાઓને સુપોષિત બનાવવાનો છે.

Advertisement

આંગણવાડીમાં નોંધાયેલા 6 માસથી 6 વર્ષ સુધીના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ 100 મિ.લિ. પોશ્ચ્યુરાઇઝડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. આ દૂધ તેમના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. સગર્ભા અને ધાત્રી માતાઓને 6 માસ સુધી બુધવાર અને શુક્રવાર એમ અઠવાડિયામાં બે દિવસ 200 મિ.લિ. પોશ્ચ્યુરાઇઝડ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે, જે ગર્ભાવસ્થા અને ધાત્રી અવસ્થા દરમિયાન તેમના અને શિશુના પોષણને ટેકો આપે છે. રાજ્ય સરકારે આ યોજનાની મહત્તાને ધ્યાનમાં રાખીને વર્ષ 2025-26 માટે રૂ. 133.26 કરોડની બજેટ જોગવાઇ કરવામાં આવી છે. આ જોગવાઈ સુનિશ્ચિત કરે છે કે રાજ્યના વધુ ને વધુ જરૂરિયાતમંદ બાળકો અને માતાઓને પોષણ નિયમિતપણે મળતું રહે. ગુજરાત સરકારની આ પહેલ રાજ્યને કુપોષણ મુક્ત બનાવવાની દિશામાં એક મજબૂત પગલું છે, જે આવનારી પેઢીના ઉજ્જવળ અને તંદુરસ્ત ભવિષ્યનો પાયો નાખી રહી છે. રાજ્યના બાળકોના પોષણ સ્તરને સુધારવા માટે ગુજરાત સરકારની 100 ટકા રાજ્ય પુરસ્કૃત 'દૂધ સંજીવની યોજના' એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ખાસ કરીને આદિજાતિ અને વિકાસશીલ વિસ્તારોમાં કુપોષણના નિવારણ માટે આ યોજના એક સંજીવની સમાન સાબિત થઈ છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement