ગુજરાત મેઘમહેરઃ 199 તાલુકામાં વરસાદ વરસાયો, જામકંડોરાણામાં 5.6 ઇંચ
અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે શુક્રવારે (4 જુલાઈ) છેલ્લા 24 કલાકમાં 199 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના જામકંડોરાણામાં 5.6 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે 134 તાલુકામાં1 ઇંચ વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના ઈડરમાં 5.5 ઇંચ, બનાસકાંઠાના ધાનેરામાં 5.2 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 4.6 ઇંચ, જામનગરના જોડિયામાં 4 ઇંચ, કચ્છના મુંદ્રામાં 3.86 ઇંચ, જામનગરના લાલપુરમાં 3.7 ઇંચ, રાજકોટના જેતપુરમાં 3.46 ઇંચ, સુરેન્દ્રનગરના વઢવાણ અને ચુડામાં 3.31-3.31 ઇંચ, બનાસકાંઠાના વડગામ, દાંતીવાડા અને કચ્છના ગાંધીધામમાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે.
રાજ્યના 65 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં જામનગરના જામજોધપુર, રાજકોટના ગોંડલ, મહેસાણાના વડનગર, જામનગરના કાલાવાડ, અરવલ્લીના ભીલોડા, બનાસકાંઠાના પાલનપુર, જૂનાગઢના વંથલી અને માણાવદર સહિત કુલ 34 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.