ગુજરાતઃ ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી ધોલેરા ખાતે અત્યાર સુધી રૂ. 35984 કરોડનું રોકાણ
ગાંધીનગરઃ અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગે પ્રત્યુત્તર આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી'ની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. 35984.58 કરોડનું રોકાણ પણ મળ્યું છે. મંત્રી રાજપૂતે જણાવ્યું કે આગામી જૂન, 2025 સુધીમાં 110 કિમીના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેનાથી અમદાવાદથી ધોલેરા માત્ર 50 મિનિટમાં પહોંચી શકાશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ, 2009 હેઠળ તા. 22 મે, 2009ના રોજ ધોલેરા SIR જાહેર કરવામાં આવ્યો છે. ધોલેરા SIRમાં 22 ગામોનો સમાવેશ થાય છે. જેનું કુલ કાર્યક્ષેત્ર 920 ચો.કિ.મી. છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના અમલીકરણ માટે છ ડ્રાફ્ટ નગરરચનાઓને 27૭ પ્રાંરભિક નગરરચનાઓમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાંથી 11 પ્રાંરભિક નગરરચનાઓની કાર્યવાહી પ્રગતિમાં છે.
આ નગરરચના અંતર્ગત, મૂળખંડના 50 ટકા જમીન આંતરમાળખાકીય અને સામાજિક સુવિધાના વિકાસ માટે વપરાય છે. બાકીની 50 ટકા જમીન, મૂળ જમીનધારકને ‘ફાઇનલ પ્લોટ’ સ્વરૂપે પાછી મળે છે. મંત્રીએ જણાવ્યું કે અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના પ્રોજેકટને નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ ઇ.પી.સી. મોડ પર લેવામાં આવ્યો છે. જેના અમલીકરણની કાર્યવાહી પ્રગતિમાં અને કેટલાંક કામ વર્ષ 2025માં પૂર્ણ થશે.
આ જ પ્રકારે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એરપોર્ટ ઑથોરિટી દ્વારા સાઇટ ડેવલપમેન્ટ, રનવે, ટેક્ષીવે અને અન્ય સુવિધાના નિર્માણનું ટેન્ડર જાહેર કર્યું છે. તદુપરાંત , ટર્મિનલ બિલ્ડિંગ અને એ.ટી.સી.ના બિલ્ડિંગ નિર્માણને લગતી કાર્યવાહી પ્રગતિમાં છે તેમ તેમણે ઉમેર્યું હતું.