ઊનાના નવા બંદરમાં મહિલા પર ત્રણ શખસોનો ગેન્ગરેપ, મહિલાની હાલત ગંભીર
- દરિયાકાંઠાના ગામમાં એકલી રહેતી મહિલા પર ત્રણ શખસોનું દુષ્કર્મ,
- મહિલાને ગંભીર ઈજાઓ થતાં જુનાગઢની હોસ્પિટલમાં રિફર કરાઈ,
- પીડિત મહિલાનું ડાઈંગ ડિક્લેરેશન લેવાયું
ઊનાઃ ગુજરાતમાં બળાત્કારના બનાવો વધતા જાય છે. ત્યારે ઊના નજીક આવેલા નવાબંદરમાં એક આધેડ મહિલા પર ત્રણથી વધુ શખસ દ્વારા ગેન્ગરેપ કરાતા ચકચાર મચી ગઈ છે. નરાધમોએ મહિલાના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતા મહિલાની તબિયત ગંભીર હોવાથી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને પકડવા ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
આ બનાવની એવી વિગત જાણવા મળી છે કે, ઊના નજીક નવા બંદર નજીક દરિયાકાંઠાના એક ગામમાં ત્રણ દિવસ પહેલાં એકલી રહેતી મહિલાની એકલતાનો લાભ ઉઠાવી ત્રણથી વધુ શખસોએ સામૂહિક રીતે દુષ્કર્મ આચર્યું હતું. ગેન્ગરેપ બાદ નરાધમો ફરાર થઈ ગયા હતા. ગંભીર ઇજાઓ અને પીડા સાથે મહિલા ત્રણ દિવસ સુધી પોતાના નિવાસસ્થાને પડી રહ્યાં હતાં. તેમની તબિયત વધુ લથડતાં મહિલાએ તેના પરિચિત દ્વારકામાં ફિશિંગ કરતા એક યુવકને જાણ કરી હતી, યુવક તાત્કાલિક દોડી આવ્યો હતો અને મહિલાને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યાં હતાં. ફરજ પરના તબીબે આ અંગે પોલીસને જાણ કરતાં પીઆઈ. મહેન્દ્રસિંહ રાણા અને મરીન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. દરમિયાન ઉના હોસ્પિટલના ડોક્ટર દ્વારા પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. જેને પગલે ભોગ બનનાર મહિલાનું ડાઈંગ ડિક્લેરેશન લેવા માટે ઉનાના નાયબ મામલતદાર પહોંચ્યા હતા. તેમણે પીડિતાનું ડાઈંગ ડિક્લેરેશન લીધું હતું.