For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 12મો દિવસ, સરકારે ફરી આપ્યુ અલ્ટીમેટમ

05:32 PM Mar 28, 2025 IST | revoi editor
ગુજરાતના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો 12મો દિવસ  સરકારે ફરી આપ્યુ અલ્ટીમેટમ
Advertisement
  • હડતાળિયા કર્મચારીઓ હાજર નહીં થાય તો આકરા પગલોં લેવાશે
  • પડતર પ્રશ્નોના ઉકેલ માટે આરોગ્ય કર્મચારીઓ મક્કમ
  • આરોગ્યમંત્રી કહે છે કે, હડતાળ સમેટાયા બાદ જ ચર્ચા કરીશું

ગાંધીનગરઃ રાજ્યના પંચાયત હસ્તકના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે ગઈ તા. 17મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા 12 દિવસથી આરોગ્ય કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે. સરકારે હડતાળિયા કર્મચારીઓ સામે એસ્માનું શસ્ત્ર ઉગામીને 2200થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કર્યા છે. છતાં કર્મચારીઓ પીછેહટ કરવા તૈયાર નથી. દરમિયાન સરકારે ફરીવાર ચીમકી આપી છે કે,  જો કર્મચારીઓ હડતાળ નહીં સમેટે તો સરકાર કડક કાર્યવાહી કરશે. તો બીજી તરફ ગુજરાતનાં આરોગ્ય કર્મચારીઓના સમર્થનમાં હરિયાણાના આરોગ્ય કર્મચારીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો છે.

Advertisement

ગુજરાતના પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ તઈ તા. 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે. અને આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ પાછી ખેંચવા તૈયાર નથી, તો બીજી તરફ સરકારે પણ કડક વલણ અપનાવીને 2200થી વધુ કર્મચારીઓને છુટા કરી દીધા છે અને પાંચ હજારથી વધુ કર્મચારીઓને શોકોઝ નોટિસ ફટકારી છે. આ ઉપરાંત સરકાર દ્વારા આજે બપોરના બાર વાગ્યા સુધી કર્મચારીઓને ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવી હતી અને. જો કર્મચારીઓ હાજર નહીં થાય તો છૂટા કરેલા આરોગ્યકર્મીઓની ખાલી જગ્યા આઉટસોર્સથી ભરી દેવાનો તખ્તો સરકાર દ્વારા ઘડી દેવાયો છે. જોકે, કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર પણ થઇ ગયાના વાવડ મળ્યા છે.

આ અંગે આરોગ્ય મહાસંઘ પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા 25 જિલ્લાના કર્મચારીઓને ટર્મનેટ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. પણ આ વખતે અમે છેક સુધી લડવા તૈયાર છીએ. 33 જિલ્લામાં 2200 જેટલા કર્મીઓને ટર્મનેટ કરાયા છે, હું પણ ટર્મીનેટ છું.  સરકારે એસ્મા 19 તારીખે અમલમાં મુકીને તા. 24 તારીખે 2200ને ટર્મીનેટ કર્યા હતા. ત્યારબાદ બે દિવસ વિરામ લીધો ને ફરી ઓર્ડર શરૂ થયા. એટલે ટુકડે ટુકડે ટર્મીનેટ કરવામાં આવી રહ્યા છે. આ વખતે અમે નક્કી કરીને આવ્યા છીએ કે અમારો હક્ક, જૂની માંગણી છે લઈને રહીશું. અમે મળવાપાત્ર માંગ કરી રહ્યા છીએ. ગઈ વખતે પણ આંદોલન પૂરું કરાવીને સરકારે બેઠકની વાત કરેલી. જેમાં કોઈ નિરાકરણ આવેલું નહીં. આ વખતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચાલુ રહેશે. સરકાર સહાનુભૂતિ દાખવીને અમારી માંગ સ્વીકારવી જોઈએ

Advertisement

આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્યકર્મચારીઓએ જે માગણીઓ આપી હતી એમાંથી એક માગણી સ્વીકારવાપાત્ર હતી અને બાકીની ગ્રેડ પે સુધારવાની માગણી હતી એ સમજ્યા વિચાર્યા વગર વિચારી શકાય એમ નથી. એ વિષયની ચર્ચા કર્યા બાદ હા કે ના કહી શકાય. એ બાબતે સરકાર પણ કડક જ છે. કર્મચારીઓ હડતાળ સમેટ્યા બાદ ટેબલ પર આવે તો ચર્ચા થાય, બાકી વાત કરવાનો કોઇ મતલબ નથી.

Advertisement
Tags :
Advertisement