ગુજરાત સરકારનો વિદેશી પ્રવાસીઓને આકર્ષવા કરોડો રૂપિયાનો ખર્ચ છતાંયે દેશમાં 7માં ક્રમે
- દેશમાં 53 લાખ વિદેશી પ્રવાસીઓ નોંધાયા
- ગુજરાતની 1.75 લાખ વિદેશી પ્રવાસીઓએ મુલાકાત લીધી
- જોકે અગાઉના વર્ષો કરતા વિદેશી પ્રવાસીઓમાં વધારો
અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન સ્થળોના વિકાસ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે. છતાયે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં સાતમા ક્રમે છે. ભારતીય પ્રવાસન વિભાગ દ્વારા પ્રસ્તુત યાત્રિકોની માહિતીમાં સમગ્ર દેશમાં વર્ષે 53 લાખ વિદેશી પ્રવાસીઓ હવાઈ માર્ગે ભારતના પ્રવાસે આવે છે. જેમાં દેશના જુદા જુદા એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓના આગમનમાં અમદાવાદના એરપોર્ટનું સ્થાન સાતમા ક્રમે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં વર્ષ દરમિયાન 53 લાખ વિદેશી પ્રવાસીઓએ વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી. દેશના વિવિધ એરપોર્ટ પર વિદેશી પ્રવાસીઓની આવાગમનની સંખ્યા નોંધાઈ હતી. જેમાં અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 1,76,086 જેટલા વિદેશી પ્રવાસીઓએ આગમન કર્યું હતું. જે ભારતના કુલ વિદેશી પ્રવાસીઓમાં 3.28 ટકાનો હિસ્સો ધરાવે છે. એક સમય હતો જ્યારે ગુજરાતનું પ્રવાસન સ્થાન હતું. પરંતુ સોમનાથ, દ્વારકા, ગીર, અંબાજી, કચ્છનું સફેદ રણ અને ઉત્તરાયણે ગુજરાતમાં આવતાં વિદેશી પ્રવાસીઓને વધુ આકર્ષ્યા છે. અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ નેશનલ એરપોર્ટનો દેશમાં વિદેશી પ્રવાસીઓના આગમન માટે સાતમો ક્રમ છે. જે દર્શાવે છે કે ગુજરાતમાં અગાઉ કરતાં વિદેશી પ્રવાસીઓનો ધસારો વધ્યો છે.
અમદાવાદ સિવાયના સુરત, રાજકોટ, દિવ એરપોર્ટ પર પણ સીધા વિદેશી પ્રવાસીઓ આગમન કરે છે. પરંતુ સમગ્ર રાજ્યમાં અન્ય એરપોર્ટની સરખામણીમાં અમદાવાદનું એરપોર્ટ ઈન્ટરેનેશનલ હોવાથી વિદેશી પ્રવાસીઓનો ધસારો સવિશેષ રહે છે. ખાસ કરીને શિયાળામાં વિદેશી પ્રવાસીઓનો ધસારો અન્ય સિઝન કરતાં વધારે એટલા માટે રહે છે. કારણ કે શિયાળામાં કચ્છનો રણોત્સવ, ઉત્તરાયણ સૌથી વધુ વિદેશીઓને આકર્ષે છે.