ગુજરાત સરકારે શાળા પ્રવાસ માટે જાહેર કરી નવી માર્ગદર્શિકા
- શૈક્ષણિક પ્રવાસ માટે 14 ચુસ્ત નવા નિયમો,
- તમામ સ્કૂલે સમગ્ર પ્રવાસના ડે ટુ ડે કાર્યક્રમની જાણ કરવાની રહેશે,
- કોઈપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહીં
ગાંધીનગરઃ ગુજરાત સરકારે શાળાઓના શૈક્ષણિક પ્રવાસના આયોજન અંગે 14 નવા અને ચુસ્ત નિયમો જાહેર કર્યા છે. જેમાં ‘રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’ હેઠળ શિક્ષણ પ્રણાલીમાં વધુ તકો પૂરી પાડવા અને શિક્ષણક્ષેત્રે નવા અભિગમને વેગ આપવા માટે આ નિયમોનો અમલ કરવામાં આવશે. આ ઠરાવ રાજ્યની સરકારી, અનુદાનિત અને ખાનગી (સ્વનિર્ભર) પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડશે. આ નિયમોનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની સુરક્ષા જાળવીને શૈક્ષણિક પ્રવાસનો યોગ્ય ઉપયોગ કરાવવાનો છે.
રાજ્ય સરકારે શાળા પ્રવાસને લઈને આજે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં સ્કૂલો અને વાલીઓએ શું ધ્યાન રાખવું તે અંગે સૂચનો કર્યા છે. શૈક્ષણિક પ્રવાસના આયોજનમાં આગ, અકસ્માત કે અન્ય અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તેમજ ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકોની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાય તે માટે આ ગાઈડલાઈનનું સ્કૂલોએ ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. જેમાં શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિત 'સમિતિ'ની રચના કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી વિદ્યાર્થીઓના વય જૂથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવાની રહેશે. શૈક્ષણિક પ્રવાસના પ્રકાર અનુસાર (1) રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી/જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારીને (2) રાજ્ય બહારનો પ્રવાસ હોય તો કમિશનર/નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરી, ગાંધીનગરને (3) વિદેશ પ્રવાસ હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરને સાધનિક તમામ વિગતો સાથે પ્રવાસ શરૂ થવાના દિવસ 15 પહેલાં અવશ્ય જાણ કરવાની રહેશે.
આ ઉપરાંત સમગ્ર પ્રવાસનો પ્રતિદિન (Day To Day) કાર્યક્રમની જાણ કરવાની રહેશે. એક જવાબદાર અને અનુભવી વ્યક્તિની પ્રવાસના 'કન્વીનર' તરીકે નિમણૂક કરવાની રહેશે તથા આયોજન મુજબ જ મુસાફરી થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓ સાથે બેઠક યોજીને તેમને સૂચિત પ્રવાસ આયોજનથી અવગત કરવા તથા તેમની સંમતિ મેળવવાની રહેશે. જો વાલી કોઈ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિતમાં લેવી. તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીના આઇડીપ્રુફ તથા મોબાઈલ નંબર મેળવવા અને સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી. પ્રવાસ મરજિયાત રહેશે કોઈપણ વિદ્યાર્થી કે તેના વાલીને પ્રવાસ માટે ફરજ પાડી શકાશે નહિ.
સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકામાં કહેવાયું છે કે, પ્રવાસમાં 154 વિદ્યાર્થી દીઠ ઓછામાં ઓછા 1 (એક) શિક્ષક પ્રવાસમાં જોડાય તે પ્રકારનું આયોજન કરવાનું રહેશે જ્યાં છોકરા અને છોકરીઓનો સંયુક્ત પ્રવાસ હોય ત્યાં મહિલા કર્મચારી સામેલ કરવા તથા તેમના માટે સલામતીની પૂરતી કાળજી રાખવાની રહેશે. વિદ્યાર્થીઓ સાથે પણ ચર્ચા, ગોષ્ઠી, મિટિંગ કરી શું કરવું, શું ન કરવું તેનું સ્પષ્ટ માર્ગદર્શન આપવું તથા વિદ્યાર્થીઓ પર પૂરેપૂરી દેખરેખની વ્યવસ્થા કરવી, ટૂંકમાં સલામતીનો સ્પષ્ટ પ્લાન તૈયાર કરવો. પ્રવાસ દરમિયાન જળાશયોમાં "બોટિંગ-રાઇડિંગ" બને ત્યાં સુધી ટાળવું. આમ છતાં, બોટિંગ- રાઇડિંગ કરવાનું નક્કી થાય તો બોટમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવા નહીં તેમજ વિદ્યાર્થીઓના દરેક ગ્રુપ સાથે એક શિક્ષક/કર્મચારી સાથે બેસે તે સુનિશ્ચિત કરવું. તેમજ લાઈફ જેકેટ અને સલામતીના અન્ય સાધનોનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.