ગુજરાતઃ અકસ્માત સંભાવનાગ્રસ્ત માર્ગો પર રોડ સેફ્ટી કામગીરી માટે સરકારે રૂ. ૧૮૮ કરોડ ફાળવ્યા
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં માર્ગ સલામતી રોડ સેફ્ટી માટે જનહિતકારી નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યના માર્ગો પરની રોડ સેફ્ટી સંલગ્ન વિવિધ કામગીરી માટે માર્ગ મકાન વિભાગને ૧૮૮ કરોડ રૂ.ના કામો હાથ ધરવા મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી સુધારણાની કામગીરી માટે ૧૦૦.૫૩ કરોડ રૂ. મંજૂર કર્યા છે. તદનુસાર ,વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇડનિંગ, તથા રોડ ફર્નિચર વગેરે કામગીરી ના કુલ ૮૦ કામો ૩૨૮.૭૩ કિલોમીટર લંબાઇના માર્ગો પર હાથ ધરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે.
મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્ટીગ્લેર સિસ્ટમ લગાવવા કુલ ૭૮૬.૪૧ કિલોમીટરની લંબાઈના માર્ગો પર ૭૬ કામો માટે ૮૭.૫૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે.