ગુજરાતઃ દિવાળી પૂર્વે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના દરોડા, 8,684 કિલો જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને શુદ્ધ અને આરોગ્યપ્રદ ખાદ્ય વસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તા. 03 થી 11 ઓક્ટોબર, 2015 દરમિયાન 13 રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં અંદાજે રૂ.41 લાખના શંકાસ્પદ ખાદ્ય પદાર્થો જપ્ત-નાશ કરવામાં આવ્યા હતા. કુલ 8,684 કિલો જથ્થો જપ્ત કરાયો, જેમાંથી 2,861 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો.
ગુજરાત રાજ્યના નાગરિકોની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્ય સાથે, દિવાળીના તહેવાર પૂર્વે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drug Control Administration - FDCA) દ્વારા તા. 03 થી 11 ઓક્ટોબર, 2025 દરમિયાન એક વિશેષ રાજ્યવ્યાપી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વ હેઠળ આ ઝુંબેશમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અટકાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં તા. 03 થી 11 ઓક્ટોબર, 2025 દરમિયાન આયોજિત આ વિશેષ ઝુંબેશમાં સમગ્ર રાજ્યમાંથી ઘી, દૂધ-દૂધ ઉત્પાદનો, તેલ, મીઠાઈ અને બેકરી આઇટમ સહિતના કુલ 2,799 ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેમાંથી 1,114 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશને તબક્કાવાર વહેંચવામાં આવી હતી: તા. 03 થી 05 દરમિયાન ઘીના 385 નમૂનાઓ, તા. 06 થી 08 દરમિયાન 431 જેટલા દૂધ અને તેની બનાવટોના નમૂનાઓ, અને તા. 09 થી 11 ઓક્ટોબર દરમિયાન 298 તેલ, મીઠાઈ અને બેકરી આઇટમના નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા.
આ રાજ્યવ્યાપી ઝુંબેશ દરમિયાન કુલ 8,684 કિલો જથ્થો (કિંમત રૂ. 34,49,362) જપ્ત કરવામાં આવ્યો હતો. આ જથ્થામાં રૂ. 26.22 લાખથી વધુ કિંમતનું 4,507 કિલો ઘી, રૂ. 7 લાખની કિંમતની 3,411 કિલો દૂધ અને દૂધની બનાવટો, રૂ.90 હજારથી વધુના 568 કિલો ખોયા તેમજ રૂ.36 હજારથી વધુનું 198 કિલો કેસીનનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા જથ્થા પૈકી રૂ.6.48 લાખથી વધુ કિંમતની 2,861 કિલો અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની યાદીમાં વધુમાં જણાવાયું છે કે, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ ઝુંબેશ હજુ પણ ચાલુ રાખવામાં આવી છે, જેના અંતર્ગત ફિલ્ડ ઑફિસરો દ્વારા સતત ચકાસણી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.