ગુજરાતઃ ચાલુ વર્ષે અંદાજે 18થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા
અમદાવાદઃ દર વર્ષે 4 ડિસેમ્બરે 'વિશ્વ વન્યજીવ સંરક્ષણ દિવસ' ઉજવાય છે. જેને લઈને વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાએ રાજ્યમાં ચાલુ વર્ષે નોંધાયેલા પક્ષીઓ વિશે માહિતી આપી હતી. યાયાવર પક્ષીઓ માટે ગુજરાત પહેલી પસંદગીનું રાજ્ય બન્યું છે. રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તાર, તળાવ, સરોવરોમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક 18થી 20 લાખ યાયાવર પક્ષીઓ નોંધાયા છે. વર્ષ-2010માં થોળ પક્ષી અભયારણ્યમાં 31,380 પક્ષીઓનું આગમન થયું હતું. આ વર્ષે 1.11 લાખથી વધુ યાયાવર પક્ષીઓનું આગમન થયું છે. નળ સરોવર પક્ષી અભયારણ્યમાં 2010માં 1.31 લાખથી વધુ યાયાવર પક્ષી નોંધાયા હતા. તેની સરખામણીમાં આ વર્ષે 3.62 લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે. છેલ્લા14 વર્ષમાં થોળ અને નળસરોવર પક્ષી અભયારણ્યમાં જળ પ્લાવિત વિસ્તારના યાયાવર પક્ષીઓમાં અનુક્રમે 355 અને 276 ટકાનો વધારો નોંધાયો છે.
ગુજરાત છેલ્લા દોઢ દાયકાથી પ્રાણીઓ- યાયાવર પક્ષીઓ માટે ગુજરાત વધુ સુરક્ષિત બન્યું છે. વન્યજીવ વસ્તી ગણતરી મુજબ વર્ષ-2023માં રાજ્યમાં મોર, નીલગાય, કપિરાજ, કાળીયાર, દિપડા, સાંભર, ચિંકારા સહિત અંદાજે 21 પ્રજાતિઓની અંદાજિત 9.53 લાખથી વધુ વસ્તી નોંધાઈ છે.વન્યજીવ વસ્તી ગણતરી-2023 મુજબ રાજ્યમાં રાષ્ટ્રીય પક્ષી મોર 2.85 લાખથી વધુ, નીલગાય 2.24 લાખથી વધુ, 2 લાખથી વધુ કપિરાજ તેમજ એક લાખથી વધુ જંગલી સુવર અને ચિત્તલ નોંધાયા છે.આ ઉપરાંત રાજ્યમાં 9170 કાળીયાર, 8221 સાંભર, 6208 ચિંકારા, 2299 શિયાળ, 2274 દિપડા, 2272 લોંકડી, 2143૩ ગીધ, 1484 વણીયર, એક હજારથી વધુ ચોશીંગા આ સિવાય નાર/ વરુ, રીંછ અને ભેંકર સહિત કુલ 9.53 લાખથી વધુ પ્રાણીઓ નોંધાયા છે.
ગુજરાતમાં છેલ્લી 2020ની ગણતરી મુજબ એશિયાઈ સિંહની સંખ્યા 674થી વધુ, આ વર્ષે યોજાયેલી ડોલ્ફિન ગણતરી મુજબ 680 જેટલી ડોલ્ફિન તેમજ 7672 જેટલા ઘુડખરની વસ્તી નોંધાઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર તૈયાર કરવા મંજૂરી મળી છે. આ બ્રિડીંગ સેન્ટર સંબંધિત વિવિધ પાસાઓના અભ્યાસ માટે વન્યજીવ સાથે જોડાયેલા ગુજરાતના અધિકારીઓએ મધ્યપ્રદેશના કુનો- પાલપુર નેશનલ પાર્કની ફિલ્ડ વિઝીટની કરીને જરૂરી વિગતો એકત્રિત કરી છે. આ ઉપરાંત રાજ્યમાં દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન વન વિભાગ દ્વારા 'કરૂણા અભિયાન' હાથ ધરવામાં આવે છે. જેમાં, પતંગની દોરી સહિત વિવિધ રીતે ઘાયલ હજારો પક્ષીઓને યોગ્ય સારવાર આપીને મુક્ત કરવામાં આવે છે.