ગુજરાતમાં પાન-મસાલાના વેપારીઓ પર જીએસટીના દરોડા, 192 કરોડની કરચોરી પકડાઈ
- બિલ વગર વેપાર કરતા વેપારીઓ પર તવાઈ
- રોકડ વ્યવહારો અને બેનામી હિસાબો મળ્યા
- સ્ટેટ જીએસટીના દરોડાથી વેપારીઓમાં ફફડાટ
અમદાવાદઃ રાજ્યમાં પાન-મસાલાના જથ્થાબંધ વેપારીઓ બિલ વિના માલ વેચીને જીએસટીની ચોરી કરતા હોય સ્ટેટ જીએસટીના અધિકારીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જેમાં રાજશ્રી બ્રાન્ડ પર કાર્યવાહી કરીને 1.93 કરોડની કરચોરી પકડવામાં આવી છે. GST વિભાગની કામગીરીથી પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
ગુજરાત સ્ટેટ GST વિભાગની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચ દ્વારા મળેલી માહિતીના આધારે, 24મી ડિસેમ્બર, 2024ના રોજ અમદાવાદ સ્થિત “રાજશ્રી” બ્રાન્ડના પાન મસાલા અને ફ્લેવર્ડ તમાકુમાં વેપારી સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી અનેક ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી અને લગભગ રૂ. 1.93 કરોડ અને કુલ જવાબદારી લગભગ રૂ. 3.39 કરોડની ગણતરી કરવામાં આવી છે. રાજ્યના કર વિભાગ દ્વારા સરકારી તિજોરીના રક્ષણ માટે વેપારીઓ સામે જોરશોરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ GST વિભાગ અલગ અલગ બ્રાન્ડના પાન મસાલા હોય કે મોબાઈલ હોય કે બિઝનેસ ટુ કસ્ટમર સુધી વેચાણ કરતા વેપારીઓની અલગ અલગ વસ્તુઓ હોય તમામ વેપારીઓ મામલે અને તેમના દ્વારા કરવામાં આવતા આર્થિક વ્યવહારોની વિગતો તપાસવામાં આવે છે અને આવા વેપારીઓની જે બાતમી મળી આવે તેવા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. GST વિભાગની આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે કેટલાક મહિનાથી જ સ્ટેટ GST વિભાગ દ્વારા અલગ અલગ દિવસોમાં વિવિધ એકમોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જેમાં લગ્ન પ્રસંગ સંબંધિત ચીજોનું વેચાણ કરતા વેપારીઓ તેમજ વેડિંગ ગારમેન્ટસના વેપારીઓને ત્યાં પણ સર્ચ કરીને કરચોરી પકડી હતી. આ વેપારીઓ સામે તપાસ કરતા બિલ વગર વેચાણનો પર્દાફાશ થયો હતો.