ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં 40 સ્થળોએ કોચિંગ ક્લાસીસ પર GSTના દરોડા
- મોડી રાત સુધી ચાલ્યો તપાસનો ધમધમાટ
- અમદાવાદ અને રાજકોટમાં બે કોચિંગ ક્લાસમાં સર્ચ કરાયું
- GSTના દરોડા પહેલા જ કેટલાક ક્લાસિસ સંચાલકોને માહિતી મળી ગયાની શક્યતા
અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ, રાજકોટ સહિત શહેરોમાં 40 જેટલાં કોચિંગ ક્લાસ પર જીએસટીના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા. દરોડાની એક સાથે થયેલી કાર્યવાહીથી ક્લાસિક સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. જીએસીના અધિકારીઓએ આવકના કેટલાક દસ્તાવેજો મેળ્યા છે. કેટલી કરચોરી પકડવામાં આવી તે સત્તાવારરીતે હજુ જાહેર કરવામાં આવ્યું નથી.
રાજ્યમાં જીએસટી વિભાગના અધિકારીઓએ રાજકોટ, અમદાવાદ, વડોદરા સહિત રાજ્યભરમાં આવેલા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના કોચિંગ ક્લાસ પર દરોડા પાડ્યા હતા. 40 સ્થળે ગઈકાલે સાંજ બાદ એકસાથે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. જે મોડી રાત સુધી તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. કેટલાક કોચિંગ ક્લાસના સંચાલકો તૈયારી માટે આવતા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા દેખાડતા હોવાની વ્યાપક ફરિયાદો મળ્યા બાદ જીએસટીએ દરોડાના દોર શરૂ કર્યાનું જાણવા મળે છે. તપાસના અંતે લાખો રૂપિયાની કરચોરી ઝડપાય તેવી પણ શક્યતા છે.
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા ક્લાસિસ અને આકાશવાણી ચોકમાં આવેલા એક ક્લાસિસમાં જીએસટીના અધિકારીઓ ગુરુવારે સાંજે તપાસ માટે પહોંચ્યા હતા. રાત્રીના 11 વાગ્યા સુધી તપાસ ચાલુ રાખવામાં આવી હતી. રાજકોટ ઉપરાંત અમદાવાદમાં બે કોચિંગ ક્લાસ પણ ઝપટે ચડ્યા છે. કુલ 40 સ્થળે એકસાથે તપાસ શરૂ કરવામાં આવી હતી. જે કોચિંગ ક્લાસીસ પર શંકાના આધારે દરોડા પાડવામાં આવ્યા છે ત્યાં કમ્પ્યૂટર અને હાર્ડ ડિસ્ક જપ્ત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હતી અને કેટલો કર ભરવામાં આવે છે તે અંગેની ચકાસણી મોડી રાત સુધી ચાલુ રાખવામાં આવી હતી.
જીએસટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, શુક્રવાર સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને લાખો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. કહેવાય છે કે, કોચિંગ ક્લાસના સંચાલકોને જીએસટીના દરોડાની આગોતરી જાણ થઈ ગઈ હતી. એટલે દરોડા પહેલા જ સંચાલકો એલર્ટ થઈ ગયા હતા.કોચિંગ ક્લાસમાં રેડ કરવાની છે તેવી વિગતો ટેક્સ ઈન્સ્પેક્ટરોને આપવામાં આવી હતી અને તેમના સ્ટાફમાં આ વાત મુકાઈ હતી. જેથી કોચિંગ ક્લાસમાંથી તાલીમ લઈને નોકરી મેળવનારા પૂર્વ વિદ્યાર્થીએ પોતાના કોચિંગ ક્લાસના શિક્ષકને જાણ કરી દેતા જે તે કોચિંગ ક્લાસ સાબદા થઈ ગયા હોવાથી ઘણો બધો ડેટા ડિલીટ થઈ ગયાની ઘટના બની છે. જેને લઈને જીએસટીના ઉચ્ચ અધિકારીઓ હવે દરોડામાં સામેલ તમામની ઝીણવટભરી ચકાસણી કરી દરોડાનું પેપર ફોડનારની શોધ કરી રહ્યા છે.