અમદાવાદમાં પાન-મસાલા, તમાકુંના વેપારીઓને ત્યાં જીએસટી વિભાગના દરોડા
- પાન-મસાલા-તમાકુના ડિલરોની રૂ. 68 કરોડની કરચોરી પકડાઈ
- જીએસટીના અધિકારીઓએ એક સાથે 22 સ્થળોએ પાડ્યા દરોડા
- બિનહિસાબી વેચાણ અને સ્ટોક મળી આવતા કાર્યવાહી
અમદાવાદઃ શહેરના મણિનગર, કૂબેરનગર તેમજ ચાંગોદરમાં પાન.મસાલા અને તમાકુંના ડિલર્સને ત્યાં જીએસટી વિભાગના અધિકારીઓએ દરોડા પાડીને 5.68 કરોડની કરચોરી પકડી પાડી હતી. જીએસટી વિભાગના અધિકારીએ એકસાથે 22 જેટલાં સ્થળોએ સર્ચ કર્યુ હતુ. જેમાં મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા હતા. વિભાગ દ્વારા અંદાજીત રૂ. 5.68 કરોડની કરચોરી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં સ્ટેટ જી.એસ.ટી વિભાગ દ્વારા પાન મસાલા અને તમાકુના વેપારીઓના સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન કરોડો રૂપિયાની કરચોરી પકડી લેવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગના દરોડાથી પાન-મસાલા-ગુટકાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
જીએસટી વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ચોક્કસ ઈન્ટેલીજન્સ ઇમ્પુટ્સ અને સર્વેલન્સના આધારે કરચોરીને રોકવા માટે સ્ટેટ GST વિભાગે અમદાવાદમાં પાન-મસાલા અને તમાકુ વેપારીઓ પર વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આ ઓપરેશન દરમિયાન મણિનગર, કુબેરનગર અને ચાંગોદર સહિતના 22 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રોકડના વ્યવહારો દ્વારા બિન-હિસાબી વેચાણ, બિન-હિસાબી સ્ટોક અને બેનામી વ્યવહારો જેવી ઘણી ગેરરીતિઓ શોધી કાઢવામાં આવી હતી.
જીએસટીના અધિકારીઓએ શહેરના પાન મસાલા અને તમાકુના વેપારીઓ પર તપાસ હાથ ધરી હતી. જેમાં નોંધાયેલ કરદાતાઓ અને બિન નોંધાયેલ ડીલરોને ત્યાંથી અંદાજીત રૂ.5.68 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી હતી. નોંધનીય છે કે, સ્ટેટ GST વિભાગ દ્વારા આ પ્રકાર કરચોરીને રોકવા માટે ઘણીવાર સર્ચની કાર્યવાહી ધરવામાં આવતી હોય છે. જેમાં ઘણીવાર કરોડોની કરચોરી પકડાતી હોય છે. થોડા મહિના પહેલા જ સ્ક્રેપના વેપારી પર પણ GST વિભાગે દરોડા પાડ્યા હતા અને કરોડોની કરચોરી ઝડપી પાડી હતી.