નવરાત્રીના તહેવારો પહેલા જ સિંગતેલ, કપાસિયાતેલ અને પામતેલમાં ઘટાડો નોંધાયો
- સિંગતેલના ભાવમાં 15 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો,
- મગફળી અને કપાસનું બમ્પર વાવેતર થયુ હોવાથી હજુ પણ ભાવમાં ઘટાડાની શક્યતા,
- તહેવારો પહેલા જ સિંગતેલ અને કપાસિયાતેલમાં ઘટાડાથી લોકોને રાહત થશે
રાજકોટઃ નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. તહેવારોની સીઝન પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. જેમાં સિંગતેલ, કપાસિયા તેલ અને પામતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
રાજકોટમા ખૂલતા બજારે સિંગતેલના ભાવમાં 15 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયા અને પામતેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે મગફળી અને કપાસનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં હોવાથી ભાવ ઘટાડો થયો છે. આવનારા દિવસોમાં હજુ પણ ભાવ ઘટે તેવી વેપારીઓ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે સિંગતેલના ડબ્બામાં 15 રૂપિયાનો ઘટાડો નોંધાતા ભાવ 2310થી 2360 બોલાયો હતો. જ્યારે કપાસિયા તેલમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાતા ભાવ 2260થી 2310 થયો છે. તેમજ પામતેલમાં 10 રૂપિયાનો ઘટાડો નોંધાતા ભાવ 2050થી 2055 બોલાયો હતો.
રાજકોટના ઓઈલ મિલરોના કહેવા મુજબ આ વર્ષ મગફળી અને કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં હોવાથી તેલના ભાવ પર તેની સારી અસર જોવા મળી છે. આવનારા દિવસોમાં હજુ પણ ભાવ ઘટી શકે છે. ગયા જુન મહિનાની શરૂઆતમાં જ ભારત સરકારે મોંઘવારી ઘટાડવા માટે એક મોટું પગલું ભર્યું હતું. ખાદ્ય તેલના ભાવ ઘટાડવા માટે કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધી હતી. કેન્દ્ર સરકારે ક્રૂડ પામ તેલ, ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી અડધી કરી દીધી છે. અગાઉ, આ તેલ પર 20 ટકા ડ્યુટી લાગતી હતી, જે હવે ઘટાડીને 10 ટકા કરવામાં આવી હતી.