અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા
ગાંધીનગરઃ અમદાવાદમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કે, જે બાળકો નાની ઉંમરથી જ પરિશ્રમને પ્રાધાન્ય આપે છે એ જરૂરથી પોતાના જીવનકાળમાં સફળ થાય છે. એવા અનેક મહાપુરુષોના ઉદાહરણો છે જેઓને આજે દેશ જ નહીં પણ સમગ્ર દુનિયા યાદ કરે છે. રાજ્યપાલએ મહાપુરુષોના ઉદાહરણ આપતા વિદ્યાર્થીઓને કહ્યું કે, ડૉ. એ.પી.જે.અબ્દુલ કલામ, અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન, ભારતના વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવનમાં પરિશ્રમનું ખૂબ જ મહત્વ રહ્યું છે. આ તમામ પોતાના વિદ્યાર્થીકાળમાં કરેલી મહેનત થકી સફળ બન્યા છે. તેમણે વધુમાં કહ્યુ કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાના અનેક દેશોનું સન્માન મેળવીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
રાજ્યપાલએ જણાવ્યું કે ગરીબી અને અભાવ એ મહેનત કરનારા લોકો માટે ક્યારેય અડચણરૂપ નથી..મહાન વ્યક્તિઓ કોઈ નિશ્ચિત જગ્યાએ જન્મ લેતા નથી પરંતુ તેઓ સામાન્ય જગ્યાને તેમના કાર્યોથી મહાન બનાવવાનું કાર્ય કરે છે. આવા મહાપુરુષોના વિચારો અને દિવ્યતા લોકોમાં એક વિલક્ષણ ભાવ જગાવે છે. વિદ્યાર્થીઓને જીવનના નૈતિક મૂલ્યો અંગે રાજ્યપાલએ કહ્યું કે વિદ્યાર્થીઓને ક્યારેય પણ કોઈ કામ પ્રત્યે ભય, લજ્જા કે પછી શંકાનો ભાવ દેખાતો હોય તો એ કામ ન કરવું જોઈએ. વિધાર્થીઓએ જીવનમાં ક્યારેય પણ ભૂલ ન કરવી જોઈએ, પણ જો કદાચ ભૂલ થઈ જાય તો એ ભૂલને છુપાવવાને બદલે પોતાના માતા- પિતા ગુરુ કે ઘરના વડીલને તેની અવશ્ય જાણ કરવી જોઈએ.વિદ્યાર્થીકાળમાં શારીરીક સ્વાસ્થય મજબૂત રહે તે માટે યોગ, પ્રાણાયમ કરવા પર ભાર મુકી જંકફૂડથી દૂર રહી ઘરનું બનાવેલ સાત્વિક ભોજન લેવાનો આગ્રહ રાખવો જોઈએ તેમજ વ્યસનથી દૂર રહેવા પણ રાજ્યપાલએ શીખામણ આપી હતી. આ ઉપરાંત જરૂરિયામંદ વિદ્યાર્થીઓ માટે અદાણી ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતી આવી શૈક્ષણિક સંસ્થાઓ ભારતના મજબૂત ભાવીના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપે છે તે બદલ સંસ્થાના વિવિધ સમાજ ઉપયોગી કાર્યોને બિરદાવ્યા હતા. આ પ્રસંગે રાજ્યપાલએ અદાણી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અદાણી વિદ્યામંદિરના કેમ્પસની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ અને સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી પ્રવૃત્તિઓની વિગતો પણ મેળવી હતી. આ કાર્યક્રમમાં અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ.પ્રીતિ અદાણી, અદાણી ફાઉન્ડેશન તેમજ અદાણી સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર વસંત ગઢવી, અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણી, અદાણી વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ ડૉ. શિલ્પા ઈદોરીયા તેમજ અદાણી ફાઉન્ડેશનના, પદાધિકારીઓ, અતિથિગણ, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.