વર્ષ 2047 સુધી વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની ભાગીદારીને ત્રણ ગણી કરવાનો સરકારનો લક્ષ્યાંક : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક ક્ષેત્રમાં આત્મનિર્ભરતાનું આહ્વાન કરતા કહ્યું, વિદેશ પર ભારતની નિર્ભરતા તેના સૌથી મોટા દુશ્મનોમાંથી એક છે. તેમણે કહ્યું, વર્ષ 2047 સુધી વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા વિશ્વ સમક્ષ ભારત એક આત્મનિર્ભર દેશ તરીકે ઊભું રહે તે સમય હવે આવી ગયો છે.
ભાવનગરમાં આજે “સમુદ્ર સે સમૃદ્ધિ” કાર્યક્રમને સંબોધતા ભારતને એક દરિયાઈ મહાશક્તિ બનાવવાની પોતાની સરકારના સંકલ્પ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું, વર્ષ 2047 સુધી વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની ભાગીદારીને ત્રણ ગણી કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. કાર્યક્રમ દરમિયાન મોદીએ 32 હજાર કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
ભારતની ઐતિહાસિક દરિયાઈ શક્તિનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું, દેશ હવે આપણા વારસાને પુનઃપ્રાપ્ત કરવા અને એક વૈશ્વિક દરિયાઈ શક્તિ તરીકે ઉભરી આવવા સખત મહેનત કરી રહ્યો છે. ભારતના દરિયાકાંઠાને હંમેશા સમૃદ્ધિના પ્રતીક ગણાવતા મોદીએ તે દેશના ભાવિ વિકાસના પ્રવેશદ્વાર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો.
દરિયાઈ ક્ષેત્ર ટૂંક સમયમાં “એક દેશ, એક બંદર પ્રક્રિયા”ને અપનાવશે અને તેનો ઉદ્દેશ સમગ્ર દેશમાં બંદર પ્રક્રિયાઓને સરળ બનાવવાનો છે તેમ શ્રી મોદીએ ઉમેર્યું.
સ્વદેશી જહાજ નિર્માણમાં ભારતની ક્ષમતાઓ પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ I.N.S. વિક્રાન્તનું ઉદાહરણ આપ્યું. તેમણે દરિયાઈ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા લેવાયેલા વિવિધ પગલાઓ અંગે પણ જણાવ્યું.
ભારતના સભ્યતાપૂર્ણ દરિયાઈ વારસાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું, સરકાર દેશની પ્રાચીન દરિયાઈ પરંપરાઓને પ્રદર્શિત કરવા અને તેને ભાવિ પેઢીઓ માટે સાચવી રાખવા લોથલમાં એક રાષ્ટ્રીય દરિયાઈ વારસા સંગ્રહાલયનું નિર્માણ કરી રહી છે.