અનુસુચિત જાતિના ખેડૂતોને નવા કૃષિ વિષયક જોડાણ પાછળ સરકારે 225.23 લાખની રાહત આપી
ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે અનુસૂચિત જાતિના ખેડૂતોને નવા કૃષિ વિષયક વીજજોડાણમાં રાહત અંગેના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે આ માટે અનુસૂચિત જાતિ પેટા યોજના અમલમાં છે. જે અંતર્ગત તા. 31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં બે કેલેન્ડર વર્ષમાં રાજ્યના 2160 અનુસૂચિત જાતિના ખેડૂતોને નવા વીજજોડાણ પેટે ભરવા પડતાં એસ્ટિમેટમાં કુલ રૂ. 225.23 લાખની રાહત આપવામાં આવી છે.
આ યોજના અંગે માહિતી આપતાં ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે વીજકંપનીને એક નવા કૃષિ વિષયક વીજજોડાણ માટે સરેરાશ રૂ. 1.73 લાખનો થાય છે, પરંતુ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વીજલાઇન તથા ટ્રાન્સફોર્મરનો ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. અનુસૂચિત જાતિના ખેડૂતોને ફિક્સ ચાર્જ ભરવાનો થતો નથી, પરંતુ માત્ર નોંધણી ફી, એગ્રીમેન્ટ ચાર્જ, ટેસ્ટ રિપોર્ટ અને લોડ પ્રમાણે ડિપોઝિટનાં નાણાં ભરપાઈ કરવાના રહે છે.
જે મુજબ, 5 હોર્સ પાવરના વીજ જોડાણ માટે સામાન્ય યોજના હેઠળ રૂ. 7855 ભરવાના થાય છે, પરંતુ અનુસૂચિત જાતિના ખેડૂતોએ માત્ર રૂ. 1355 ભરપાઈ કરવાના થાય છે. આ જ રીતે, 10 હોર્સ પાવરના વીજ જોડાણ માટે સામાન્ય યોજના હેઠળ રૂ. 14,190ની રકમ સામે અનુસૂચિત જાતિના ખેડૂતે માત્ર રૂ. 2190 ભરપાઈ કરવાના થાય છે તેમ મંત્રીએ જણાવ્યું હતું.
ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગીર સોમનાથ જિલ્લામાં તા. 31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં અનુસૂચિત જાતિના 127 ખેડૂતોને નવા વીજજોડાણ માટે કુલ રૂ.8.79 લાખની રાહત આપવામાં આવી છે.
આ જ પ્રકારે, કચ્છ જિલ્લામાં તા.31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ છેલ્લાં બે વર્ષમાં કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિના ૧૪૦ ખેડૂતોને કૃષિ વિષયક વીજ જોડાણ માટે કુલ રૂ.25.94 લાખની રાહત આપવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.