લગ્નસરાની સીઝનના ટાણે જ સોનાના ભાવ 87000ને વટાવી ગયા
- છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં 11 ટકાનો વધારો થયો
- અમેરિકા, ચીન, કેનેડા અને મેક્સિકો વચ્ચે ટેરિફ વૉર વકર્યું
- વૈશ્વિક સ્તરે સોનું દોઢ માસમાં 300 ડોલર વધ્યું
અમદાવાદઃ હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે સોનાના ભાવમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. વેશ્વિક રસ્તે ટેરીફ વોરને લીધે શેર બજાર અને ડોલર અને રૂપિયાની કિંમતમાં થતાં ચડાવ-ઉતારને લીધે સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઉછળી 2900 ડોલર નજીક પહોંચતા સ્થાનિકમાં અમદાવાદ ખાતે પ્રતિ 10 ગ્રામ વધુ રૂ.1500 ઉછળી રૂ.87300ની નવી ટોચે પહોંચ્યું છે. ચાલુ વર્ષ દરમિયાન વૈશ્વિક સ્તરે આર્થિક સંકટ, ટ્રેડવોર, જિયો પોલિટિકલ ઇશ્યુની સંભાવના છે જેને ધ્યાનમાં લેતા બૂલિયન માર્કેટમાં તેજીનો કરંટ જળવાઇ રહેશે
સૂત્રોના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ઇકોનોમી ટેરિફ વોરની શરૂઆત થઇ છે જેના કારણે સલામત રોકાણ અને આકર્ષક રિટર્ન એવા સોના-ચાંદીમાં આક્રમક તેજીને સપોર્ટ મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઉછળી 2900 ડોલર નજીક પહોંચતા સ્થાનિકમાં અમદાવાદ ખાતે પ્રતિ 10 ગ્રામ વધુ રૂ.1500 ઉછળી રૂ.87300ની નવી ટોચે પહોંચ્યું છે. સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈની સપાટી પર પહોંચ્યા છે. છેલ્લા 1 મહિનામાં સોનાના ભાવમાં 8000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. સોનામાં સતત તેજીને કારણે સોની વેપારીઓના શો-રૂમમાં લગ્નસરાની સિઝન હોવા છતાં નહિવત ઘરાકી જોવા મળી રહી છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, 31 ડિસેમ્બરના રોજ સોનાની કિંમત રૂ.78700 હતી જે સરેરાશ એક માસમાં રૂ.8600નો ઝડપી વધારો થઇ ચૂક્યો છે. જ્યારે ચાંદી પ્રતિકિલો ગ્રામ રૂ.1500 વધીને રૂ.95000 પહોંચી છે. જે એક માસમાં રૂ.8500 વધી હતી. બૂલિયન એનાલિસ્ટોના મતે સોનું ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉછળી રૂ.90000 અને ચાંદી એક લાખની સપાટી કુદાવી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ સોનું છેલ્લા દોઢ માસમાં 300 ડોલર ઉછળ્યું છે. ચાંદી પણ ઉછળી 33 ડોલરની સપાટી કુદાવી છે. એકવર્ષથી સોનામાં આક્રમક તેજીનો માહોલ છતાં દેશમાં રોકાણકારોની ખરીદી 29 ટકા વધીને 239.40 ટન પહોંચી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલમાં દર્શાવાયું છે.