ગુજરાતમાં 1લી ડિસેમ્બરના દિને વિવિધ 34 સ્થળોએ ગીતા મહોત્સવ યોજાશે
- સંસ્કૃતના પ્રચાર પ્રસાર અને સંવર્ધન માટે પંચકમ યોજનાની શરૂઆત,
- 34 સ્થળોએ પ્રતિભાગીઓ ગીતાના શ્લોક અને સંસ્કૃત સુભાષિતોનું પારાયણ કરશે,
- ભગવદ ગીતા પર વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે
ગાંધીગરઃ રાજ્યમાં સંસ્કૃત ભાષા અને સાહિત્યનાં વ્યાપક પ્રચાર-પ્રસાર દ્વારા પ્રાચીન ભાષા સંસ્કૃતને પ્રોત્સાહન આપવા તેમજ તેના સંવર્ધન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા યોજના પંચકમની શરૂઆત કરવામાં આવી છે. તેમાં સંસ્કૃત સપ્તાહ મહોત્સવ યોજના, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના, શ્રીમદ્ ભગવદ ગીતા યોજના અને શત શુભાષિત કંઠપાઠ યોજનાનો સમાવેશ થાય છે. આ પૈકી ભગવદ ગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠ યોજના અંતર્ગત પ્રતિભાગીઓને જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.
1 ડિસેમ્બર 2025ના ગીતા જયંતિના દિવસે રાજ્યમાં જિલ્લા કક્ષાઓ 34 સ્થળોએ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ યોજનાઓ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત તમામ પ્રતિભાગીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવશે. તે સિવાય શ્રીમદ ભગવદ ગીતાના અધ્યાય 12 અને 15નું સામુહિક પારાયણ, લોકો માટે સંસ્કૃત પ્રદર્શની, ભગવદ ગીતા પર વ્યાખ્યાયન સહિતના કાર્યક્રમો યોજાશે. આગામી સમયમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે યુનિવર્સિટી કક્ષાએ સંપૂર્ણ ગીતા કંઠપાઠ યોજનાની સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા દરમિયાન શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના અને શત સુભાષિત કંઠપાઠ યોજનામાં પ્રતિભાગીઓ પાસેથી ઉચ્ચારણ અને કંઠપાઠ સંબંધિત શ્વોકોનો લયછંદ, ઉચ્ચારણની શુદ્ધતા, કંઠપાઠની નિપૂણતા, ભાવ - ભક્તિ અને આત્મવિશ્વાસ સાથેની પ્રસ્તુતિની સમીક્ષા કરવામાં આવે છે.