ગિરનાર રોપવે 2020ના વર્ષથી કાર્યરત થયા બાદ 32 લાખ લોકોએ ઉડન ખટોલાંની મોજ માણી
- શ્રદ્ધાળુઓ રોપવેમાં ગિરનાર પર અંબાજી માતાજીના દર્શન માટે જઈ શકે છે
- આગામી સમયમાં રોપવેમાં દત્તાત્રેય મંદિર સુધી જઈ શકાશે
- ગરવા ગિરનાર જવા રોપવેમાં જતા સૌથી વધુ 40 ટકા પ્રવાસીઓ મહારાષ્ટ્ર
જૂનાગઢ: ગરવા ગિરનારમાં પ્રવાસીઓ માટે વર્ષ 2020થી રોપવેની સુવિધા આપવામાં આવી છે. જે યાત્રિકોને રોપવેમાં ન જવું હોય તેઓ પગથિયા ચડીને અંબાજી અને દત્તાત્રેય ટુક સુધી જઈ શકે છે. પહેલા ગિરનાર આવતા સહેલાણીઓમાંથી માત્ર જૂજ મુલાકાતીઓ ગિરનાર ચઢીને અંબાજી મંદિર પહોંચતા હતા. પરંતુ વર્ષ 2020થી ગિરનાર પર બનેલો રોપ વે પ્રોજેક્ટ ગિરનારને ફળ્યો છે. અને અત્યાર સુધીમાં 32 લાખ લોકોએ ઉડનખટોલામાં બેસીને ગિરનારમાં અંબાજી ટુક સુધી જઈને માતાજીના દર્શન કર્યા છે.
જૂનાગઢમાં ગિરનારનો રોપવે પ્રોજેક્ટ ફળ્યો છે. વર્ષ 1983 થી ગિરનારના રોપવે પ્રોજેક્ટની કાગળ પર શરૂઆત તો થઈ હતી પરંતુ ધીરે ધીરે અનેક અડચણ બાદ ગિરનારનો રોપવે પ્રોજેક્ટ 2020 માં શરૂ કરાયો છે. ગિરનાર તળેટીથી અંબાજી ટુક સુધી જવા માટે રોપવે પ્રવાસીઓને વધુ સાનુકૂળ બની ગયો છે. રોપ વે પ્રોજેક્ટના એધિકારીના કહેવા મુજબ રોપ વે પ્રોજેક્ટ બન્યા ત્યારથી અત્યાર સુધીમાં 32 લાખ લોકો રોપ વેથી ગિરનારની મુલાકાત લઇ ચૂક્યા છે. રોપ વે પ્રોજેક્ટ પહેલા માત્ર જૂજ લોકો જ ગિરનારની મુલાકાતે આવતા હતા. હાલમાં નવરાત્રી, દિવાળી, ક્રિસમસ અને રજાઓમાં સહેલાણીઓ ગિરનારની મુલાકાતે આવે છે.
વધુમાં તેમણે કહ્યું કે, ગિરનાર તળેટીથી શીખર સુધી જવા માટે માત્ર ગુજરાતના જ નહીં પણ અન્ય રાજ્યોના પ્રવાસીઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ગિરનારની મુલાકાતે આવતા સહેલાણીઓમાં સૌથી વધુ 40% પ્રવાસીઓ મહારાષ્ટ્રના હોય છે. તેનું મુખ્ય કારણ છે કે મહારાષ્ટ્રના લોકોને દત્તાત્રેય ભગવાનમાં ખૂબ જ આસ્થા છે. તેના કારણે મહારાષ્ટ્ર લોકો મોટી સંખ્યામાં ગિરનારની મુલાકાતે આવે છે અને રોપવેની મજા માણે છે. રોપ વેના મારફતે ગિરનારના અંબાજી માતાના દર્શન સુધી પહોંચી શકાય છે.
ગિરનારની તળેટીથી અંબાજી મંદિર સુધી પહોંચવામાં પગપાળા જઈએ તો 5500 જેટલા પગથિયાં સર કરીને અંબાજી મંદિર સુધી પહોંચી શકાય છે. જોકે અંબાજી મંદિરથી બીજા 5000 જેટલા પગથિયાં છે પરંતુ આ રોપવે પ્રોજેક્ટ અંબાજી મંદિર સુધીનો છે. ગિરનાર આવતા પ્રવાસીઓમાં અંબાજી મંદિર અને દત્તાત્રેય ભગવાનના મંદિરે દર્શનાર્થે સહેલાણીઓ આવે છે. ગિરનારમાં આવતા પ્રવાસીઓમાં અન્ય રાજ્યોમાંથી મહારાષ્ટ્ર બાદ રાજસ્થાન બીજા નંબરે આવે છે.