ઘોઘા-દહેજ ફેરી પ્રોજેક્ટમાં 400 કરોડ ખર્ચાયા બાદ પણ સફળતા ન મળી
- ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા અગાઉ ડ્રેજિંગની અનિયમિતતા સામે વિરોધ થયો હતો
- કેન્દ્રએ જીએમબી પાસેથી પ્રોજેક્ટ આંચકીને દીન દયાલ પોર્ટ ઓથોરિટીને સોંપ્યો હતો
- દીન દયાલ પોર્ટ ઓથોરિટી પણ થાંકી જતા હવે ફરી જીએમબીને પ્રોજેક્ટ સોંપાશે
ભાવનગરઃ જિલ્લામાં ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લાનો દરિયો એ આમ તો ખાડી ગણાય છે. એટલે સમુદ્રનો કાપ ઠલવાય રહ્યો છે. એટલે પુરાણ થતુ હોવાથી દરિયો કાંઠા વિસ્તારથી દુર જઈ રહ્યો છે. દરિયામાં મોટા જહાંજ લાવવા માટે ડ્રેજિગ કરવું પડે છે. આવું વારંવાર કરવામાં ફરજ પડતી હોવાથી એનો ખર્ચ પણ વધી રહ્યો છે. તેથી ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચેની રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ શરૂ કર્યા બાદ પડતો મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પાછળ કુલ 400 કરોડથી વધુ રૂપિયા ખર્ચાઇ ગયા બાદ હવે સરકાર હરકતમાં આવી છે. અગાઉ આ પ્રોજેક્ટ જીએમબી પાસેથી આંચકી અને કેન્દ્ર હસ્તકના દીનદયાળ પોર્ટ ઓથોરિટીને સોંપવામાં આવ્યો હતો, હવે તેઓ પણ થાકી જતા ફરી જીએમબીને પરત સોંપી દેવાની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી સેવાનો પ્રારંભ કરાયા બાદ સમુદ્રમાં રોજ ડ્રેજિંગ કરવાની ફરજ પડતી હતી. એનો ખર્ચ રોજનો લાખો રૂપિયાનો થતો હતો. ડ્રેજિંગ કર્યા બાદ પણ ભારે માત્રામાં કાંપ જમા થઇ જવાને કારણે શરૂ થયાના ગણતરીના મહિનામાં જ રો-પેક્સ ફેરી સેવા બંધ કરવામાં આવી હતી. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA)ને ઘોઘાના દરિયામાં ડ્રેજિંગની કામગીરી સોંપવામાં આવી હતી, તે પણ થાકી પ્રોજેક્ટની કામગીરી ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)ને પુન: સોંપવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે રો-પેક્સ ફેરી સર્વિસ પ્રોજેકટ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા વિકસાવવામાં આવ્યો હતો, પરંતુ ડ્રેજીંગ અને સંચાલન સહિતની અનેક અનિયમીતતાઓને કારણે ફેરી સેવા લંગડાઇ રહી હતી અને ટીકાપાત્ર બની હતી તેથી કંટાળી અને કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ DPAને ટ્રાન્સફર કરાયો હતો. ઘોઘા અને દહેજ ખાતે પ્રોજેક્ટ સંપત્તિના ટ્રાન્સફરને 3 નવેમ્બર, 2020ના રોજ DPA અને GMB વચ્ચે હસ્તાક્ષર કરાયેલા ઉપયોગના અધિકાર (RoU) કરાર હેઠળ ઔપચારિક રીતે મંજૂરી આપવામાં આવી હતી. આ કરારમાં હજીરા ખાતે જમીન ટ્રાન્સફરનો પણ સમાવેશ થતો હતો, જ્યાં DPAએ પછીથી કાયમી રો-પેક્સ ટર્મિનલ બનાવ્યું છે અને હાલ ત્યાં ઘોઘા-હજીરા ફેરી સેવા સફળતાથી ચાલી રહી છે. દહેજ ખાતેનું રો-રો ટર્મિનલ, અંદાજિત રૂપિયા 150 કરોડના ખર્ચે બાંધવામાં આવ્યું હતું, તથા કેપિટલ ડ્રેજીંગ અને અન્ય પ્રકારના ડ્રેજીંગ પાછળ રૂપિયા 200 કરોડ ખર્ચવામાં આવ્યા હતા. બાદમાં જેટી નજીક સતત કાંપ ઢસડાઇને આવતો હોવાની સમસ્યાને કારણે શિપ જેટી સુધી આવી શક્તુ ન હતુ, પરિણામે ઘોઘા-દહેજ પ્રોજેક્ટ પડતો મુકવામાં આવ્યો હતો. ટર્મિનલ બનાવવામાં આવ્યું છે અને તેનો ઉપયોગ થતો નથી,
ઘોઘા-દહેજ રો-પેક્સ ફેરી પ્રોજેક્ટની પ્રાથમિક ચકાસણીમાં જ નકારાત્મ રિપોર્ટ હોવા છતા ત્યાં જ શરૂ કરવામાં આવ્યુ હતુ. દહેજ ખાતે ટર્મિનલ અને અન્ય સુવિધા માટે 150 કરોડ અને કેપિટલ ડ્રેજીંગ, મેનટેનન્સ ડ્રેજીંગ પાછળ 200 કરોડથી વધુ ખર્ચ કરવામાં આવ્યા હતા. ડ્રેજીંગ અંગે નાણા ચુકવણી અગાઉ થર્ડ પાર્ટી ઇન્સપેક્શન આવશ્યક હોવા છતા આ શરતને નજરઅંદાજ કરી નાણા ચુકવવામાં આવ્યા હોવાની તપાસ ચાલી રહી છે.