બનાસકાંઠામાં ફુડ વિભાગે ઘીના લીધેલા સેમ્પલ ફેલ, 4 પેઢીને 26 લાખનો દંડ
- ફુડ વિભાગે દરોડા પાડી ઘીના નમુના લઈ લેબમાં પરિક્ષણ અર્થે મોકલ્યા હતા
- 4 પેઢીના ઘીના સેમ્પલમાં ભેળસેળનો રિપોર્ટ
- નિવાસી અધિક કલેકટરની કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયો હતો
પાલનપુરઃ બનાસકાંઠામાં નકલી ઘી, નકલી પનીર, નકલી કે ભેળસેળયુક્ત માવો બનાવીને વેચવામાં આવતો હોવાથી ફુડ વિભાગ દ્વારા મહિનાઓ પહેલા દરોડો પાડવામાં આવ્યા હતા. અને ઘી અને માવાના સેમ્પલો લઈને પરીક્ષણ માટે મોકલાયા હતા. જેમાં 10 જેટલા ચિજ-વસ્તુઓના પરીક્ષણો ફેલ થતાં જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરની કોર્ટ સમક્ષ કેસ ચાલી જતાં વેપારીની ચાર પેઢીને રૂપિયા 26 લાખનો દંડ ફટકાર્યો છે. જેમાં કાણોદરની એક ડેરીને 13 લાખ, ડીસાના ઘીના વેપારીને 5 લાખ, મહારાષ્ટ્રની નાકોડા ડેરીને 4.50 લાખ જ્યારે મડાણા ગામની જય અંબે ડેરીને રૂ.3.50 લાખનો દંડ ફટકાર્યો છે.
ફુડ અને ડ્રગ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર ફૂડ વિભાગે ડીસા, થરાદ અને કાણોદર મળી કોલ્ડ સ્ટોરેજ સહિત જુદી-જુદી પેઢીઓમાંથી ઘી અને મીઠો માવાના સેમ્પલ ચકાસણી અર્થે મોકલ્યા હતા ઘીના અને મીઠા માવાના નમૂના ફેલ આવતાં ડીસા, થરાદ અને કાણોદર ની 4 પેઢીઓને 26 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જેમાં જેમાંથી ઘીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું તે અને ઘી બનાવનાર એજન્સીને સંયુક્ત રીતે કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં અધિક કલેકટરે કાણોદરની એક ડેરીને 13 લાખ, ડીસાના ઘીના વેપારીને 5 લાખ, મહારાષ્ટ્રની નાકોડા ડેરીના ઘીને 4.50 લાખ જ્યારે મડાણાની જય અંબે ડેરીના ઘીને 3.50 લાખનો દંડ ફટકાર્યો હતો.
પાલનપુર ફુડ સેફ્ટી વિભાગ દ્વારા ડીસા, થરાદ અને કાણોદર મળી કોલ્ડ સ્ટોરેજ સહિત જુદી-જુદી પેઢીઓમાંથી ઘી અને મીઠો માવાના નમુનાઓ લઈને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલાવેલા હતા. જેમાં ફૂડ લેબોરેટરી દ્વારા નમુનાઓ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરાયા હતા, જે બાદ તમામ જવાબદારો સામે નિવાસી અધિક કલેકટરની કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયો હતો. જે તમામ કેસો મામલે દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ છે. દાખલ કરાયેલ કુલ 10 કેસોમાં 4 પેઢીઓને કોર્ટ દ્વારા 26 લાખનો દંડ કરાયો છે. જેમાં સંસાર પ્રીમિયમ ઘીમાં ફોરેન વેજીટેબલ ફેટની હાજરીને લીધે ચીરાગકુમાર જગદીશભાઈ બાનાવાલા, અનંત ટ્રેડર્સ ગુજરાત મોચી વાસ પાસે, ડીસાને અને સાગરકુમાર જગદીશભાઈ બાનાવાલા, સંયુક્ત 1 લાખનો દંડ, જ્યારે વિકી રાજેશભાઈ ચોખાવાલા ( એસ.વી માર્કેટીગ,લાઠી બજાર ડીસા)ને 4 લાખનો દંડ કરાયો છે.
પાલનપુર ફુડ વિભાગએ ગત વર્ષે કાણોદરમાં ફૂડ પ્રોડક્ટમાં રેડ કરીને ફિરોજહૈદર અહમદભાઈ અધારિયાની ડેરીમાંથી જુદા જુદા સેમ્પલ લીધા હતા જ સબ સ્ટાન્ડર્ડ આવ્યા બાદ જુદા જુદા 6 કેસો કરવામાં આવ્યા હતા. જેમાં સૌથી વધુ 13 લાખનો દંડ કરવામાં આવ્યો છે. જ્યારે ફૂડ વિભાગે ડીસાના પ્રાઇમ હોટલ પાસે આવેલા એક કોલ્ડ સ્ટોરેજમાં મીઠા માવાનું સેમ્પલ લીધું હતું જે સબ સ્ટાન્ડર્ડ આવતા કોલ્ડ સ્ટોરેજના કાન્તિભાઈ નાગરભાઈ પટેલ, રાજેન્દ્રકુમાર ધુડાભાઈ જોષી અને ઈશ્વરભાઈ વિરાભાઈ પટેલને સંયુક્ત 50 હજાર દંડ કરાયો છે. જ્યારે પાલનપુરના મડાણાની જય અંબે ડેરી પ્રોડક્ટના માલિક લાલબહાદુર રામબરન યાદવને 3 લાખનો દંડ કરાયો છે.