For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગાંધીનગર સચિવાયલને 100 કરોડના ખર્ચે સેન્ટ્રલી એસી કરાશે

02:13 PM Apr 06, 2025 IST | revoi editor
ગાંધીનગર સચિવાયલને 100 કરોડના ખર્ચે સેન્ટ્રલી એસી કરાશે
Advertisement
  • પાટનગર ગાંધીનગરનું તાપમાન વધતા સરકારે કર્યો નિર્ણય
  • સચિવાલયના કર્મચારીઓને હવે ગરમી સહન કરવી નહીં પડે
  • હવે તમામ ઓફિસોમાં કૂલર મુકવા નહીં પડે

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારના જુદા જુદા વિભાગની અનેક કચેરીઓ આવેલી છે. જેમાં સ્વર્ણિમ સંકુલ-1,2 અને વિધાનસભા ભવન સેન્ટ્રલ એસી છે. જ્યારે સચિવાલયના કેટલાક બ્લોક સેન્ટ્રલી વાતાનુકૂલિત નથી. તેથી કચેરીઓમાં એર કૂલર મુકવામાં આવ્યા છે. પાટનગરમાં રોજબરોજ તાપમાનમાં વધારો થતો જાય છે. અને અસહ્ય ગરમીની અસર કર્મચારીઓની કામગીરી પર પડી રહી છે. ત્યારે હવે રાજ્ય સરકારે સચિવાલયને સેન્ટ્રલી એસી કરવાનો નિર્ણય લીધો છે. અંદાજે રૂપિયા 100 ખર્ચે સચિવાલયને સેન્ટ્રલી એસી કરાશે.

Advertisement

પાટનગર ગાંધીનગર એક સમયે વૃક્ષોથી આચ્છાદિત હતુ. અને ગ્રીન કવરને લીધે તાપમાન નીચું રહેતુ હતું. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસના કામોને લીધે લીલાછમ વૃક્ષો નાશ પામ્યા છે. વૃક્ષોના સ્થાને સિમેન્ટ-ક્રોંકિટના જંગલસમા હાઈરાઈઝ બિલ્ડિંગો ઊભા થઈ ગયા છે. તેના લીધે શહેરના તાપમાનમાં વધારો થયો છે. ત્યારે કર્મચારીઓને ગરમીમાંથી મૂક્તિ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સચિવાલય સંકુલને સેન્ટ્રલ એસી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ બ્લોકના તમામ માળ 100 કરોડ રૂપિયાના ખર્ચે સેન્ટ્રલ એસી બનશે.

સચિવાલયના સૂત્રોના કહેવા મુજબ હાલ સ્વર્ણિમ સંકુલ-1,2 અને વિધાનસભા ભવન સેન્ટ્રલ એસી છે. સચિવાલયના કેટલાક બ્લોકના કેટલાક ફ્લોર પણ અગાઉ સેન્ટ્રલ એસીની સુવિધા છે. પરંતુ મોટાભાગના બ્લોકમાં સેન્ટ્રલ એસીની સુવિધા નથી. સચિવાલયમાં સચિવો અને અન્ય ઉચ્ચ અધિકારીઓની ચેમ્બરમાં પર્સનલ એસી લગાવવામાં આવ્યા છે પરંતુ મોટાભાગના કર્મચારીઓને એસીની સુવિધા મળતી નથી.

Advertisement

પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળા દરમિયાન ભારે ગરમી રહેતી હોવાથી તેની અસર કર્મચારીઓના સ્વાસ્થ્ય પર અને કામગીરી પર પણ પડી રહી છે. આથી કર્મચારીઓને સુવિધાયુક્ત વાતાવરણ આપવા સરકારે સમગ્ર સચિવાલય સંકુલને સેન્ટ્રલ એસી બનાવવાનો નિર્ણય કર્યો છે. અત્યારસુધી ઉનાળાના સમયગાળા દરમિયાન દર વર્ષે કર્મચારીઓ માટે કુલર મૂકવામાં આવતા હતા. પરંતુ ગરમીની સ્થિતિ જોતા અને ભેજયુક્ત વાતાવરણ બનતાં કુલર અસરકારક નિવડી શકે તેમ નથી. રાજ્ય સરકાર દ્વારા સચિવાલયમાં સેન્ટ્રલ એસીની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં 100 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. આ માટે સચિવાલય સંકુલમાં જ સેન્ટ્રલ એસી પ્લાન્ટ ઉભો કરાશે.

Advertisement
Tags :
Advertisement