ગાંધીનગર મ્યુનિની બેવડી નીતિ, દુકાનોનું ભાડું અને મિલ્કતવેરો બન્ને ઉઘરાવે છે
- દુકાનદારોને મ્યુનિએ માલિકી હક્ક તો આપ્યો નથી,
- હવે ભાડું અને મિલ્કતવેરો બન્ને ઉઘરાવવા નોટિસ,
- વેપારીઓ કોર્ટના દરવાજા ખટખટાવશે
ગાંધીનગરઃ શહેરની મ્યુનિ. કોર્પોરેશન દ્વારા માઇક્રો શોપીંગની દુકાનો, લારી- ગલ્લા, શાક- ભાજીના ઓટલા વગેરે ભાડે આપવામાં આવ્યા છે. અને મ્યુનિ. દ્વારા નિયમિત ભાડું પણ ઉઘરાવવામાં આવે છે. ત્યારે હવે મ્યુનિએ મિલકત વેરો ભરવાની નોટિસો પણ ફટકારી છે. આથી વેપારીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. મ્યુનિએ માલિકી હક્ક તો આપ્યા નથી તો મિલ્કત વેરા કેવી રીતે ઉઘરાવી શકે એવો પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે.
ગાંધીનગર શહેરમાં વેપારીઓને ફાળવવામાં આવેલી માઇક્રો શોપીંગની દુકાનો, લારી- ગલ્લા, શાક- ભાજીના ઓટલા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ભાડું વસૂલવામાં આવે છે, જેનો મતલબ એ છે કે વેપારીઓને માલિકી હક્ક અપાયો નથી અને ભાડુઆત ગણાય છે. તેમ છતાં મ્યુનિ. દ્વારા આ દુકાનો, ઓટલા પાસેથી મિલકત વેરો પણ વસૂલવામાં આવે છે. જેના કારણે વેપારીઓને બેવડો આર્થિક ફટકો પડે છે. આ પ્રકારની મ્યુનિની નીતિ સામે કોર્ટમાં કેસ દાખલ કરવાની ચિમકી ગાંધીનગર વેજીટેબલ વેપારી મહામંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર શહેરમાં અસરગ્રસ્ત ખેડૂતો અને નાના વેપારીઓને માર્ગ અને મકાન વિભાગ મારફતે વિવિધ સેક્ટરોમાં લારી- ગલ્લા, ઓટલા, દુકાનો વગેરે ભાડાપટ્ટે ફાળવવામાં આવ્યા હતા. જે બદલ વેપારીઓ પાસેથી નિયમિત રીતે ભાડું વસૂલવામાં આવે છે. જેથી લારી- ગલ્લા, ઓટલા, દુકાનોનો કબજો ધરાવનારા માલિકો નથી પણ સરકારના ભાડુઆત છે. જેથી મ્યુનિ. કોર્પોરેશનની મિલકત વેરો વસૂલવાની નીતિ પણ વિવાદાસ્પદ છે. જેનો માલિકી હક્ક હોય તેણે જ મિલકત વેરો ભરવાનો થતો હોય છે. મહામંડળ દ્વારા આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તાત્કાલિક આ પ્રકારના મિલકતવેરાના માંગણા બિલ મોકલી વેપારીઓ પાસેથી વસૂલાત નહીં કરવા રજુઆત કરવામાં આવી છે. જો આ પ્રકારે મિલકત વેરો વસૂલવાનું બંધ કરવામાં નહીં આવે તો તમામ અસરકર્તા વેપારીઓની સભા બોલાવીને ભવિષ્યમાં કાનૂની કાર્યવાહી કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. સરકારે આ પ્રકારે ફાળવેલી માઇક્રો શોપીંગની દુકાનો, લારી- ગલ્લા, શાકભાજીના ઓટલા વગેરેનું લાંબા સમયનું ભાડું બાકી હોવાથી મહાપાલિકા દ્વારા આખરી નોટિસ આપ્યા બાદ સીલિંગની ચિમકી ઉચ્ચારાઇ છે.