ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશને વ્યવસાય વેરા વસુલાત ઝૂંબેશ હાથ ધરી
- વ્યવસાય વેરો ન ભરનારા 2500થી વધુ બાકીદારોને નોટિસ
- વ્યવસાય વેરામાં 13 કરોડના લક્ષ્યાંક સામે 83 કરોડની વસૂલાત
- સર્વેમાં નવા વિસ્તારોમાં સૌથી વધુ વ્યવસાયધારકો નોંધાયા
ગાંધીનગરઃ શહેરમાં છેલ્લા વર્ષોમાં વસતીમાં વધારો થતાં આજબાજુનો વિસ્તાર પણ મ્યુનિ.કોર્પોરેશનમાં મર્જ થયો છે. અને અનેક નવા બિલ્ડંગો બન્યો છે. તેના લીધે મ્યુનિ. કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્સ સહિતની આવકમાં ધરખમ વધારો થયો છે. ત્યારે હવે મ્યુનિએ વ્યવસાય વેરા વસુલાતની ઝૂબેંશ હાથ ધરી છે. મ્યુનિ. કોર્પોરેશને શહેરના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનના વ્યવસાય વેરાના બાકીદારોને 2591 નોટિસ ફટકારી છે. જ્યારે વર્ષ 2024-25માં વ્યવસાય વેરામાં નોંધપાત્ર સફળતા મળી છે. 13 કરોડના લક્ષ્યાંક સામે 16.83 કરોડની વસૂલાત થઈ છે. આ લક્ષ્યાંકથી 129 ટકા વધુ વસૂલાત દર્શાવે છે.
ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશને વ્યવસાય રજિસ્ટ્રેશન ન કરાવનારા અને વેરો ન ભરનારા સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. વ્યવસાય વેરો ન ભરનારા સામે દંડનીય કાર્યવાહી કરાશે. મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારના વિસ્તરણ સાથે વ્યવસાય ધારકોની સંખ્યામાં પણ વધારો થયો છે. સર્વેમાં નવા વિસ્તારોમાં સૌથી વધુ વ્યવસાયધારકો નોંધાયા છે. મ્યુનિ, દ્વારા ગયા મહિને વ્યવસાય વેરા શાખાએ સઘન વસૂલાત ઝુંબેશ હાથ ધરી હતી. ઉત્તર ઝોનમાં જીઆઈડીસી, સેક્ટર-24, 26, 28, વાવોલ અને પેથાપુર વિસ્તારમાં નોટિસ અપાઈ છે. મધ્ય ઝોનમાં સેક્ટર-16 અને 21માં કાર્યવાહી થઈ છે. દક્ષિણ ઝોનમાં કુડાસણ, ભાટ, ઝુંડાલ, સરગાસણ અને ખોરજમાં વ્યવસાયોની નોંધણી અને વેરા વસૂલાત માટે નોટિસ અપાઈ છે. ત્યારે વ્યવસાય વેરો ન ભરનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.